Site icon Revoi.in

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં બરફના કરા પડ્યા, રવિપાકને નુકશાનની ભીતી

Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં રવિપાકને નુકશાન થયાનું ખેડુતો કહી રહ્યા છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના  ગ્રામ્ય વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં ગત મધ્યરાત્રિ દરમિયાન ભારે પવન અને કરા પડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં રાત્રે બરફ વર્ષા થઈ હતી. રાત્રીના એક વાગ્યા આસપાસ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બાયડના તેનપુર, લીંબ, અંબાલિયારા વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો. ત્યારબાદ કમોસમી વરસાદ શરૂ થયો હતો અને આકાશમાંથી બરફનો વરસાદ થયો હતો. પવનના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પણ ડુલ થઈ હતી. મોટા મોટા ફોરા સાથે બરફ વર્ષા થઈ હતી. મોટા મોટા કરાવાળો વરસાદ ખાબક્યો હતો. જેને લઈ ધરતી પુત્રો પણ ચિંતિત બન્યા હતા. હાલ ખેતરમાં ઘઉં, ચણા, કપાસ અને રાયડાનો પાક તૈયાર થયો છે. એવામાં જાણે ખેડુતો પર કુદરત રૂઠી હોય એમ કમોસમી વરસાદને કારણે ખેતીપાકમાં નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે.

જ્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠ તાલુકામાંથી ચાર તાલુકામાં સરેરાશ 10 મીમી જેટલો કમોસમી વરસાદ નોંધાયો હતો.  વડાલીના પૂર્વ વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે કમોસમી વરસાદને લઈને ખેતીમાં નુકશાનની ભીતી ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ ઇડરમાં 09 મીમી, વડાલીમાં 04 મીમી, ખેડબ્રહ્મા 05 મીમી અને વિજયનગરમાં 06 મીમી વરસાદ નોંધાયો હતો. હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને પોશીના તાલુકામાં આકાશ વાદળછાયું રહ્યું હતું અને  રવિવારે સાંજે ધુમ્મસ છવાયું હતું. વડાલીમાં રવિવારે મોડી સાંજે કમોસમી વરસાદ શરુ થયો હતો. અંદાજીત 20 મિનીટ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈને ખેડૂતો ચિંતિત થયા હતા.  વડાલીના પૂર્વ વિસ્તાર થેરાસણા, વડગામડા, થુરાવાસ, કેશરગંજ અને મેઘ ગામમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ગ્રામજનોએ પડતા કરા હાથમાં ઝીલ્યા હતા. કમોસમી વરસાદને લઈને જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઘઉંનો ઊભો પાક નમી ગયો હતો. તો બટાકા બહાર કાઢેલા હતા તેને પણ અસર થઇ હતી.  હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં આજે સોમવારે આકાશમાં વાદળો વિખેરાતા ખેડુતોએ રાહત અનુભવી હતી.