એથેન્સ, 9 એપ્રિલ 2026: બાળકો અને કિશોરોમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને સોશિયલ મીડિયાની વધતી લતને ધ્યાનમાં રાખીને ગ્રીસ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગ્રીસના પ્રધાનમંત્રી ક્યારી આકોસ મિત્સોટાકીસે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી, 2027 થી દેશમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
પ્રધાનમંત્રી મિત્સોટાકીસે સોશિયલ મીડિયા (TikTok) પર જ એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી હતી. તેમણે આ નિર્ણય પાછળના મુખ્ય કારણો જણાવ્યા. સોશિયલ મીડિયાને કારણે યુવાનોમાં ચિંતા (Anxiety) અને ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. બાળકો મોડે સુધી ફોનમાં રચ્યાપચ્યા રહેતા હોવાથી તેમની ઊંઘ પર માઠી અસર પડી રહી છે. એપ્સની એવી ડિઝાઈન જે બાળકોને સતત સ્ક્રીન સામે જકડી રાખે છે, જે તેમના માનસિક વિકાસ માટે જોખમી છે.
કઈ એપ્સ પર અસર થશે?
સરકારી પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધ મુખ્યત્વે ‘એન્ડલેસ સ્ક્રોલિંગ’ ધરાવતી એપ્સ પર લાગુ થશે, જેમાં Facebook, Instagram, TikTok, Snapchat સમાવેશ થાય છે. જોકે, મેસેજિંગ એપ્સ (WhatsApp, Viber) અને શૈક્ષણિક હેતુ માટે વપરાતા પ્લેટફોર્મ્સને આમાંથી મુક્તિ મળી શકે છે.
વિશ્વમાં અન્ય દેશોની સ્થિતિ
ગ્રીસ આ પ્રકારનો કડક કાયદો લાવનારો એકમાત્ર દેશ નથી. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત સ્પેન, ડેનમાર્ક અને ફ્રાન્સ જેવા દેશો પણ આ દિશામાં વિચારી રહ્યા છે. ગ્રીસના પીએમએ યુરોપિયન યુનિયનને પણ વિનંતી કરી છે કે આખા યુરોપમાં આ માટે સમાન નિયમો બનાવવામાં આવે.
વધુ વાંચો: એસ. જયશંકર મોરેશિયસ અને UAEની ચાર દિવસીય મુલાકાતે

