Site icon Revoi.in

અમદાવાદના બાપુનગરમાં ગાજ-બટનની દુકાનમાં SOGની રેડ, MD ડ્રગ્સનો જથ્થો પકડાયો

Social Share

અમદાવાદઃ શહેરના ડ્રગ્સના વેચાણ સામે ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી બાજ નજર રાખી રહ્યું છે. અને છૂટક ડ્રગ્સનું વેચાણ ક્યાંથી થઈ રહ્યું છે. તેની જાણકારી મેળવવા માટે બાતમીદારોને કામે લગાડાયા છે. દરમિયાન શહેરના બાપુનગર વિસ્તારમાં ગાજ બટન અને સ્ટીમ પ્રેસની એક દુકાનમાં MD ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાની એસઓજીને બાતમી મળતા રેડ પાડવામાં આવી હતી. પોલીસે આઠ લાખની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે સલીમ નામના આરોપીને ઝડપી લીધો હતો.

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં યુવક-યુવતીઓને ડ્રગ્સ વેચવાનો કારોબાર ચાલતો હતો. તેનો એસોજીએ પડદાફાશ કર્યો હતો. આ સમગ્ર રેકેટમાં કોણ રિસિવર હતું અને કયાં ડ્રગ્સ કઈ રીતે પહોંચાડવાનું હતું તે જાણવા માટે પણ એસઓજી દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સની એક દુકાનમાં સલીમ નામનો વ્યક્તિ એમડી ડ્રગ્સ સાથે છે, અને તેની પાસે ડ્રગ્સનો મોટો જથ્થો હોવાની બાતમી એસઓજીને મળી હતી. એસઓજીના જયપાલસિંહ અને તેમની ટીમે રેડ કરી હતી. દુકાન બહાર  ગાજ બટન અને સ્ટ્રીમ પ્રેસનું બોર્ડ લગાવેલું હતુ. એટલે કોઈને પણ શંકા ન જાય, પોલીસે સર્ચ કરતા દુકાનમાં સલીમ પાસેથી 84 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. સલીમ અને તેના જેવા કેરિયરો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ્સ પહોંચાડતા હોય છે અને જેના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે. હાલ પોલીસે ધરપકડ કરીને 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ ડ્રગ્સ કયાં જવાનું હતું અને કોણે મગાવ્યું હતું? ક્યાંથી લવાયું હતું? તે દિશામાં એસઓજીએ તપાસ હાથ ધરી છે. (File photo)