Site icon Revoi.in

મની લોન્ડ્રીંગ કેસમાં સોનિયા ગાંધી ઈડી સમક્ષ રહ્યાં ઉપસ્થિત, લંબાણપૂર્વકની પૂછપરછ કરાઈ

Social Share

નવી દિલ્હીઃ મનીલોન્ડ્રીંગ પ્રકરણમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિય ગાંધીની ઈડી દ્વારા પૂછપરચ કરવામાં આવી હતી. ઈડી દ્વારા લંબાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ ઈડીની કાર્યવાહી સામે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ દિલ્હીમાં દેખાવો યોજીને વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન દેખાવકારોએ એક વાહનને આગ ચાંપી હતી. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે હળવો બળપ્રયોગ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મનીલોન્ડ્રીંગ કેસમાં ઈડીએ સોનિયા ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આજે સવારે સોનિયા ગાંધી ઈડી સમક્ષ ઉપસ્થિત રહ્યાં હતા. દસ જનપથ ઉપર થયેલી બેઠકને લઈને ઈડીએ સોનિયા ગાંધીની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત કેટલાક મહત્વાના સવાલો પણ પૂછવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. યંગ ઈન્ડિયા બનાવવાનો આઈડિયા કોનો હતો, પ્રારંભિક બેઠક ક્યાં મળી હતી, આપ કેટલી બેઠકોમાં ઉપસ્થિત રહ્યાં હતા સહિતના સવાલો કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

આપ આવકવેરા વિભાગનો ટેક્સ ભરો છો, આપનો પીન નંબર શું છે, દેશમાં ક્યાં ક્યાં મિલકત છે, વિદેશમાં ક્યાં-ક્યાં મિલકત છે, કેટલા બેંક ખાતા છે સહિતના સવાલો પણ ઈડીએ સોનિયા ગાંધીને કર્યાં હતા.

સોનિયા ગાંધીની પૂછપરછને પગલે કોંગ્રેસના નેતા અને કાર્યકરોમાં રોષ ફેલાયો છે. તેમજ દિલ્હી સહિત દેશના વિવિધ શહેરોમાં કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કર્યાં હતા. દેખાવકારોએ દિલ્હીમાં એક વાહનને આગ ચાંપી હોવાનું પણ જાણવા મળે છે. સોનિયા ગાંધી ઈડી સમક્ષ ઉપસ્થિત રહ્યાં તે પહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમની મુલાકાત લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મની લોન્ડ્રીંગના કેસમાં અગાઉ ઈડી દ્વારા કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીએ રાહુલ ગાંધીની સતત ત્રણેક દિવસ સુધી લંબાણ પૂર્વકની પૂછપરછ કરી હતી.