Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતઃ ઓગસ્ટમાં ઉકાઈ બંધના હાઈડ્રો પાવર યુનિટ મારફતે 224 મિનિયન યુનિટનું વીજ ઉત્પાદન

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન ઓગસ્ટ માસમાં ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા માસિક 224 મિલિયન યુનિટનુ રેકોર્ડ બ્રેક વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ યોજનામાંથી સિંચાઈ, ઘરગથ્થુ તથા ઔદ્યોગિક વપરાશ માટે પાણી આપવામાં આવે છે. ઉપરાંત આ યોજનામાં મુખ્ય બંધ પર કુલ  300 મેગાવોટ (75 મેગાવોટ x 4 = 300 મેગાવોટ)ના હાઈડ્રો પાવર તથા જમણા કાંઠા નહેરના હેડ રેગ્યુલેટર પર કુલ 5 મેગાવોટ (2.5 મેગાવોટ x 2= 5 મેગાવોટ) હાઈડ્રો પાવર યુનિટનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ યુનિટોનું સંચાલન વીજ વિભાગ દ્વારા સિંચાઈ વિભાગના સંકલનમાં કરવામાં આવે છે.

ચાલુ વર્ષે ચોમાસામાં સિંચાઈ અને વીજ વિભાગ દ્વારા મહત્તમ હાઈડ્રો પાવર ઉત્પાદન માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. વીજ વિભાગ દ્વારા પણ તમામ ચારેય યુનિટની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ વર્ષના ચોમાસામાં ઉપરવાસમાં વરસાદ  થવાની સાથે જ હાઈડ્રો પાવર યુનિટો ચાલુ કરી વીજ ઉત્પાદન ચાલુ કરી દેવામાં આવ્યું.

ચાલુ ચોમાસામાં તાપી નદીના કેચમેન્ટમાં ઉકાઈ બંધના ઉપરવાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. ઉકાઈ બંધમાં ઈન્ફ્લો 3 લાખ 60 હજાર ક્યુસેક કરતાં વધુ હોવા છતાં ઉકાઈ બંધની હેઠવાસમાં આઉટ ફ્લો 1 લાખ 85 હજાર ક્યુસેક્સ સુધી મર્યાદિત રાખી પુર વ્યવસ્થાપનની ઉત્તમ કામગીરી કરાઈ છે.

આ પાણી હાઈડ્રો પાવર ઉત્પાદનમાં વાપરવામાં આવ્યું છે. જેથી ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટો દ્વારા ઓગસ્ટ-2022માં 224 મિલિયન યુનિટ હાઈડ્રો પાવરનું મહત્તમ ઉત્પાદન કરેલ છે, જે ઉકાઈ બંધના બાંધકામ બાદ એટલે કે, છેલ્લા પચાસ વર્ષમાં આ એક રેકોર્ડ છે. અગાઉ ઓગસ્ટ 2013 માં મહત્તમ 221.267 મિલિયન યુનિટ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન કરાયું હતું.

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યના 207 જેટિલા જળાશયોમાં લગભગ 85 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. જેથી ઉનાળાના દિવસોમાં રાજ્યમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ નહીંવત રહી છે. આ ઉપરાંચ રાજ્યમાં ચાલુ વર્ષે 100 ટકાથી વધારે વરસાદ વરસ્યો છે.