મેડ્રિડ, 19 જાન્યુઆરી 2026 : સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલા કોર્ડોબા શહેર પાસે સોમવારે એક કાળમુખી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ ભયાનક અકસ્માતમાં 70થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી ૩૦ની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
સ્પેનના પરિવહન મંત્રી ઓસ્કર પુએન્ટેના જણાવ્યા અનુસાર, મલાગાથી મેડ્રિડ જઈ રહેલી એક હાઈ-સ્પીડ ટ્રેન, જેમાં 317 મુસાફરો સવાર હતા, તે કોર્ડોબાથી લગભગ 20 કિલોમીટર દૂર અદામુજ વિસ્તાર પાસે અગમ્ય કારણોસર પાટા પરથી ઉતરી ગઈ હતી. દુર્ભાગ્યવશ, પાટા પરથી ઉતર્યા બાદ આ ટ્રેન બાજુની લાઈન પર સામેથી આવી રહેલી બીજી હાઈ-સ્પીડ ટ્રેન (જે મેડ્રિડથી હુએલ્વા જઈ રહી હતી) સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ ટક્કર એટલી ભીષણ હતી કે બીજી ટ્રેનના ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા હતા. મંત્રી પુએન્ટેએ આ ઘટનાને ‘ભયાનક’ ગણાવતા કહ્યું કે, મલાગા-મેડ્રિડ ટ્રેનના છેલ્લા બે ડબ્બા સામેથી આવતી ટ્રેનના પહેલા બે ડબ્બા સાથે ટકરાયા હતા, જેના કારણે બંને ટ્રેનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
ઘટનાની જાણ થતાં જ અંડાલૂસિયા ક્ષેત્રની ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત કાર્ય માટે સ્પેનની સૈન્ય ઈમરજન્સી યુનિટને પણ કામે લગાડવામાં આવી છે. સ્થાનિક લોકોએ પણ માનવતા દાખવીને સામાન્ય રીતે ઘાયલ થયેલા મુસાફરોને નજીકના કેન્દ્રો પર પહોંચાડ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ 30 મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- વડાપ્રધાન અને શાહી પરિવારે દુઃખ વ્યક્ત કર્યું
સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાંચેઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર શોક વ્યક્ત કરતા લખ્યું કે, “આ દેશ માટે ખૂબ જ દર્દનાક રાત છે.” તેમણે પીડિત પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સ્પેનના શાહી પરિવારે પણ આ દુર્ઘટના અંગે શોક સંદેશ પાઠવ્યો છે.
રેલવે કંપની ‘એડિફ’ દ્વારા મેડ્રિડના આટોચા સ્ટેશન, મલાગા અને હુએલ્વામાં મુસાફરોને મદદ કરવા માટે હેલ્પલાઇન નંબર અને માહિતી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રભાવિત રૂટ પર મંગળવાર સુધી ટ્રેન સેવાઓ બંધ રહેશે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા પણ સેવાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પેનમાં આ પહેલાં જુલાઈ 2013માં સૌથી મોટો રેલ અકસ્માત થયો હતો. તે સમયે અતિશય ઝડપને કારણે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં 79 લોકોના મોત થયા હતા. સોમવારે થયેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર દેશને હચમચાવી દીધો છે.
આ પણ વાંચોઃચિલીના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળતા 18ના મોત

