Site icon Revoi.in

યમુના એક્સપ્રેસ વે પર ગતિની મર્યાદામાં કરાયો ઘટાડો

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆરના લોકો આગ્રા અને લખનૌ જવા માટે યમુના એક્સપ્રેસ વેનો ઉપયોગ કરે છે. પરંતુ હવે આ એક્સપ્રેસ વે ઓથોરિટીએ વાહનોની ગતિની મર્યાદામાં ઘટાડો કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર પ્રશાસને સ્પીડ લિમિટ ઘટાડીને 60 અને 75 કિલોમીટર પ્રતિ કલાક કરી દીધી છે. યમુના એક્સપ્રેસ વે પર હળવા વાહનોને મહત્તમ 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે ભારે વાહનોની ગતિ મર્યાદા ઘટાડીને 60 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવી છે.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના પગલે સરકાર અને વિવિધ સંગઠનો દ્વારા વાહનો ચાલકોને વાહનોની ગતિ ઓછી રાખવા માટે સતત અપીલ કરવામાં આવે છે. તેમ છતા અકસ્માતના બનાવો અટકતા નથી. દરમિયાન યમુના એકસપ્રેસ વે ઉપર વાહનોની ગતિની મર્યાદામાં ઘટાડો કરવાના નિર્ણયને વિવિધ સંગઠનોએ આવકાર્યો છે. બીજી તરફ યમુના એક્સપ્રેસ ઉપર વાહનોની ગતિની મર્યાદાનું પાલન થાય તે માટે પેટ્રોલીંગ કરવામાં આવશે અને નિયમનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.

માર્ગ અકસ્માતમાં રાહદારીઓ સૌથી વધુ સંવેદનશીલ હોય છે. ભારતમાં લગભગ 32 હજાર રાહદારીઓ માર્ગ અકસ્માતમાં માર્યા ગયા છે. રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હાએ ગુરુવારે ગૃહમાં આ માહિતી રજૂ કરતી વખતે રસ્તા પર ચાલતા રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. રાજ્યસભાના સાંસદે ગૃહમાં જણાવ્યું કે 58 ટકા માર્ગ અકસ્માતોમાં રાહદારીઓ સામેલ છે. ભારતમાં અકસ્માતોના આ આંકડા પર નજર કરીએ તો 2022માં લગભગ 32,825 રાહદારીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.