Site icon Revoi.in

કોરોના પછી ભારતીય હોકી સૌથી પહેલા યુરોપ ટૂર પર જશે

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી બાદ ભારતીય ટીમ સૌપ્રથમ વખત યુરોપ ટૂરથી પોતાની ઓલ્મિપિક તૈયારીનો પ્રારંભ કરશે. કોરોના મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગુ થતા મોટા ભાગની રમત-ગમત પ્રભાવિત થઇ હતી. ભારતનો યુરોપ પ્રવાસ ઓલિમ્પિક અગાઉની તૈયારીઓ માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ મહિને ભારતીય હોકી ટીમ જર્મની તેમજ બેલ્જિયમના પ્રવાસે રવાના થશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, યૂરોપ ટૂર પર જનાર હોકી ઇન્ડિયામાં 22 ખેલાડીઓ તેમજ સપોર્ટ સ્ટાફના 6 લોકોનો પણ સમાવેશ થાય છે. રવિવારે તમામ લોકો બેંગ્લુરુથી જર્મનીના ક્રેફેલ્ડ માટે રવાના થશે જ્યાં 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી યજમાન ટીમ સામે રમશે.

ત્યારબાદ ભારતીય હોકી ટીમ એન્ટવર્પ, બેલ્જિયમ જશે અને ગ્રેટ બ્રિટેનની ટીમ સામે 6 માર્ચથી 8 માર્ચ વચ્ચે ટકરાશે. ભારતીય હોકી ટીમનું નેતૃત્વ ગોલકીપર પી આર શ્રીજેશ કરશે તેમજ વાઈસ કેપ્ટન તરીકે હરમનપ્રીત સિંઘની પસંદગી કરવામાં આવી છે. હોકી ઈન્ડિયા 17 દિવસના પ્રવાસ પર જશે.

છેલ્લે ગત ફેબ્રુઆરીમાં પુરૂષ હોકી ટીમ એફઆઈએચ હોકી પ્રો લીગમાં ભુવનેશ્વર ખાતે ઓસ્ટ્રેલિયા સામે ટકરાઈ હતી. ભારતીય હોકી ટીમના ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેષ્ઠ દેખાવને પગલે તે એફઆઈએચ વર્લ્ડ ક્રમાંકમાં ચોથા ક્રમે રહી હતી જે ભારત માટે અત્યાર સુધીનો સૌથી ટોચનો ક્રમે છે.

જાન્યુઆરી મહિનાથી ભારતની હોકી ટીમ બેંગ્લુરુ સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કેમ્પમાં તૈયારીઓ કરી રહી છે. બીજી તરફ ભારતીય મહિલા હોકી ટીમ ગત મહિને આર્જેન્ટિનાના પ્રવાસ સાથે મેદાનમાં પરત ફરી છે.

યુરોપ ટૂર અંગે ભારતીય પુરુષ હોકી ટીમના કોચ ગ્રાહમ રીડે જણાવ્યું કે, અમે યુરોપ ટૂર પર જઇ રહ્યા છીએ તે સૌભાગ્ય છે અને વિતેલા એક વર્ષ પછી સ્પર્ધાત્મક રમત રમીશું. જર્મની જેવી ટીમ સાથે રમવાથી ઓલિમ્પિક રમતોત્સવની તૈયારીમાં ફાયદો થશે.

(સંકેત)