Site icon Revoi.in

ભારતીય ટીમને ઝટકો, જસપ્રીત બુમરાહ ઇજાગ્રસ્ત, ચોથી ટેસ્ટથી થયો બહાર

Social Share

સિડની: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થઇ ચૂક્યા છે અને હવે આ યાદીમાં વધુ એક ખેલાડીનું નામ જોડાઇ ગયું છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસબેન ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. સિડની ટેસ્ટ મેચ દરમિયાન ત્રીજા દિવસે બુમરાહના સ્નાયુઓ ખેંચાઇ ગયા હતા.

બુમરાહના સ્કેન રિપોર્ટમાં સ્ટ્રેન નજરે પડે છે એટલે ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને રમાડીને કોઇ પ્રકારનું જોમમ લેવા માંગતું નથી. ભારતને હજુ ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની એક હોમ સીરિઝ રમવાની છે અને તેને જોતા મેનેજમેન્ટ બુમરાહની ઇજાને વધવાનો કોઇ ચાન્સ લેવા તૈયાર નથી.

BCCIના એક સૂત્ર અનુસાર જસપ્રીત બુમરાહને સિડનીમાં ફિલ્ડીંગ દરમિયાન એબડોમિનલ સ્ટ્રેન થઇ ગયો હતો. તે બ્રિસબેન ટેસ્ટમાં નહીં રહે. જો કે ઇગ્લેન્ડ વિરુદ્વની સીરિઝ માટે તે ઉપલબ્ધ રહી શકે છે.

આશા છે કે બે ટેસ્ટ મેચ રમેલો મોહમ્મદ સિરાજ હવે ભારતીય ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની કરશે. આ સાથે જ નવદીપ સૈની પણ ટીમનો ભાગ હશે. શાર્દુલ ઠાકુર અને ટી. નટરાજનને પણ 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે સિડની ટેસ્ટમાં પાંચ-પાંચ ઈજાગ્રસ્ત ક્રિકેટર્સવાળી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે એવો પાઠ ભણાવ્યો હતો કે દુનિયાભરના ક્રિકેટ ફેન્સ પણ ભાવુક થઈ ગયા. એ તે પળો હતી જ્યારે હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયાના તમામ બોલર્સની નિષ્ફળ બનાવીને મેચ ભલે ડ્રો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

(સંકેત)

Exit mobile version