- ભારતીય ટીમની જીત બાદ કોચ રાહુલ દ્રવિડની ટીમને સલાહ
- જીત થઇ છે તો પણ પોતાના પગ જમીન પર જ રાખો
- ઓવરકોન્ફિડન્સમાં ના આવવું જોઇએ
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને મ્હાત આપીને સીરિઝ પોતાના નામે કરી છે. ટીમ ઇન્ડિયાના નવા કોચ રાહુલ દ્રવિડ માટે આ મોટી સિદ્વિ કહી શકાય. રાહુલ દ્રવિડે આ જીત બદલ ખુશી વ્યક્ત કરી છે. જો કે સાથોસાથ ટીમને એક મહત્વપૂર્ણ સલાહ પણ આપી છે. આપને જણાવી દઇએ કે ભારતે રવિવારના રોજ ત્રીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં 73 રનથી મેચ પોતાના નામે કરી હતી.
મેચમાં જીત બાદ કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, આ સીરિઝ વાસ્તવિક રીતે ખૂબ જ સારી હતી. દરેક ખેલાડીઓએ સીરિઝના પ્રારંભથી જ પોતાનું બેસ્ટ આપ્યું છે. શાનદાર શરૂઆતથી ઘણું સારું લાગી રહ્યું છે. પરંતુ અમે યથાર્થવાદી છીએ અને આપણે પોતાના પગ જમીન પર રાખવાની જરૂર છે. રાહુલ દ્રવિડ એવું નથી ઇચ્છતા કે પ્લેયર્સ જીતની ઉજવણીમાં ઑવરકોન્ફિડન્સમાં આવી જાય અને તેના પ્રદર્શન પર અસર પડે.
રાહુલ દ્રવિડે કહ્યું કે, ન્યુઝીલેન્ડ માટે વર્લ્ડ કપ ફાઈનલના છ જ દિવસ પછી ત્રણ મેચ રમવી સરળ બાબત નહોતી. આપણે પોતાના પગ જમીન પર રાખીને નવો સબક લઈને આગળ વધવું પડશે. ઉલ્લેખનીય છે કે કોચ રાહુલ દ્રવિડ યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ છે. તેમણે જણાવ્યું કે, ખરેખર જોઈને સારું લાગે છે કે અમુક યુવા ખિલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. અમે તે પ્લેયર્સને તક આપી જેમને પાછલા થોડા મહિનાઓમાં વધારે ક્રિકેટ રમવા નથી મળ્યું. ખરેખર જોઈને સારું લાગ્યું કે આપણી પાસે સારા વિકલ્પો છે.
નોંધનીય છે કે, ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 શ્રેણીમાં ભારતે 3-0 સાથે ક્લિન સ્વીપ કરીને ન્યૂઝીલેન્ડ સામે શ્રેણીમાં વિજય હાંસલ કર્યો છે.