Site icon Revoi.in

પાટણ-ભીલડી વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ, ટ્રેન ડીસા પહોંચતા લોકોએ ટ્રેનનું સ્વાગત કર્યું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળુ ટ્રાફિકને પહોંચી વળવા માટે રેલવે દ્વારા ખાસ સમર ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેમાં પાટણ-ભીલડી અનરિઝર્વડ ડેઈલી સમર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.આ ટ્રેન ડીસાના ભીલડી ખાતે આવતાં તેનું સ્વાગત કરાયું હતું. વેપારીઓ અને મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને ટ્રેન ભીલડી જંક્શન સુધી લંબાવવામાં આવતા જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલું ભીલડી જંકશન રાજસ્થાન અને કંડલા બંદરને જોડતું મહત્વનું કેન્દ્ર તથા જૈનોનું યાત્રાધામ અને વેપારી મથક પણ છે.  ત્યારે વેપારીઓ અને અમદાવાદના મુસાફરોની ઘણા સમયથી માગ હતી કે પશ્ચિમ રેલવેએ પાટણ-ભીલડી- પાટણ અમદાવાદ સાબરમતી ટ્રેન જે પાટણ રાત્રિ રોકાણ કરે છે તેને ભીલડી જંક્શન સુધી દોડાવવી જોઈએ.  જે માગને ધ્યાનમાં લઈ મુસાફરોની સુવિધામાં વધારો કરવા આ ટ્રેનને ભીલડી સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન શરૂ કરાતા આ વિસ્તારના લોકોએ ખૂશી વ્યક્ત કરી હતી. અને ટ્રેનના રૂટ્સ પરના ગામડાંના લોકોએ પોતાના ગામના રેલવે સ્ટેશને એકઠા થઈને ટ્રેનું સ્વાગત કર્યું હતું.

રેવલેના સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ-ભીલડી સ્પેશિયલ ટ્રેન પાટણથી સાંજે 7:05 કલાકે ઉપડશે અને 8:30 કલાકે ભીલડી ખાતે પહોંચશે. એ જ રીતે ભીલડી-પાટણ સ્પેશિયલ ભીલડીથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને 7:25 વાગ્યે પાટણ પહોંચશે. સાંજે 8:30 કલાકે પહેલી ડેઈલી સ્પેશિયલ ટ્રેન ભીલડી પહોંચતા ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ભાજપના અગ્રણીઓ તેમજ ગ્રામજનોએ પેસેન્જરોને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કર્યું હતું. જ્યારે ટ્રેનના પાયલોટ અને ગાર્ડનું ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું.