Site icon Revoi.in

ગુજરાતીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસરત : રાજ્યપાલ

Social Share

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રના 73મા ગણતંત્ર દિવસે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભકામના પાઠવતા કહ્યું કે, ગુજરાત સરકાર ગુજરાતીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે નિરંતર પ્રયાસરત છે. રાજ્યપાલએ પ્રજાજોગ સંદેશ આપતા જણાવ્યું છે કે, કોરોના જેવા સંકટ-સમયમાં પણ ગુજરાત અડગ રહ્યું અને વિકાસની ગતિને અવિરત રાખી, એ આપણા સૌ માટે ગર્વની બાબત છે.

રાજ્યપાલએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘’સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા પ્રયાસ અને સબ કા વિશ્વાસ’’ એ ધ્યેયમંત્ર સાથે રાજ્ય ઝડપભેર પ્રગતિના સોપાનો સર કરી રહ્યું છે. ભારતે કોરોનાના કપરા-કાળમાં સો કરોડથી વધુ નાગરિકોને રસી આપી ઈતિહાસ રચ્યો, તેમ પણ તેમણે જણાવ્યુ હતું. રાજ્યપાલશ્રીએ કોરોના વિરોધી રસીકરણના અભિયાનમાં ગુજરાતે  કરેલી કામગીરીની પણ પ્રસંશા કરી હતી.

આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે,  ભારતના સ્વતંત્રતાના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના અવસર પર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “આઝાદીનો અમૃત મહોત્સવ” ઉજવવાનો  અનોખો વિચાર આપ્યો અને આ ઉત્સવમાં સહભાગી બની પ્રત્યેક ભારતવાસી ગૌરવની અનુભૂતિ કરી રહ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલાંઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, આજે ગુજરાતમાં બે લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે, એ આનંદદાયી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યમાં નારી ગૌરવ અને મહિલા સશક્તિકરણની દિશામાં રાજ્ય સરકારે કરેલી નોંધપાત્ર કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે  તેમણે રાજ્યમાં ગાંધી જ્યંતિના અવસરે યોજાયેલી વિશેષ ગ્રામસભાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ ગ્રામસભાઓ થકી જલ જીવન મિશન, સ્વચ્છતા, કોવીડ રસીકરણ સંદર્ભે જાગૃતિ અને વતન પ્રેમ યોજના અંગે લોકજાગૃતિ ઉભી કરવાનું મહત્વપૂર્ણ કામ થયું.

ગુજરાતમાં નાગરિકોને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ નિશુલ્ક ઉપલબ્ધ કરાવવા સરકારે 2 કરોડથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં સમાવિષ્ટ કર્યા હોવાનો પણ આ અવસરે ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતુ કે, “પ્રધાનમંત્રી માતૃવંદના યોજના” હેઠળ 2 લાખથી વધુ ગર્ભવતી અને ધાત્રી માતા તેમ જ બાળકોના સ્વાસ્થ્ય માટે પોષક તત્ત્વોથી ભરપૂર આહાર અને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી છે.

આચાર્ય દેવવ્રતજીએ પ્રજાજોગ સંદેશમાં ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં આરોગ્યક્ષેત્રે થયેલી વિશેષ કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં 167 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 17 જેટલા લેબોરેટરી ટેસ્ટ થતા હતા, તે સંખ્યા હવે વધારીને 33 કરવામાં આવી છે. તેમણે રાજ્યમાં દુર્ગમ ક્ષેત્રમાં સ્વાસ્થ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા માટે 250 મોબાઈલ ક્લિનિક વાનનું જનસેવામાં કાર્યરત હોવાનું પણ ઉમેર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નાગરિકોને રાજ્યના વિકાસમાં અવિરત સહયોગ અને સમર્થન આપવાની પણ અપીલ કરી હતી.

Exit mobile version