Site icon Revoi.in

સ્ટેટ જીએસટી દ્વારા બોગસ પેઢીઓ શોધવા સ્થળ તપાસ કરાશે, ખરીદ- વેચાણમાં ગેરરીતિ કરનારા સામે તવાઈ

Social Share

અમદાવાદઃ કરચોરો કોઈપણ તરકીબો અજમાવીને ચોરી કરી લેતા હોય છે. તાજેતરમાં ભાવનગરમાંથી કરચોરીનું મોટું કૌભાંડ પકડાયું હતું. અધિકારીઓની સંડોવણી વિના કૌભાંડ થતું નથી. આથી હવે સ્ટેટ જીએસટીના અધિકારીઓ પર  વોચ રાખવાનું નક્કી કરાયું છે. ઉપરાંત સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે ઇન્ટરનલ પરિપત્ર કરી દરેક સ્ટેટ અધિકારીને રજિસ્ટર્ડ કરદાતાના સ્થળની તપાસ કરવા તેમ જ તેમણે આપેલા દસ્તાવેજોની ખરાઈ કરવા જણાવ્યું છે. રાજ્યમાં વારંવાર સામે આવતા બોગસ રજિસ્ટ્રેશન અને બોગસ ખરીદ વેચાણના વ્યવહારોને લઈને રાજ્ય સરકારની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેને રોકવાની કવાયતના ભાગરૂપે રાજ્યના અધિકારીઓએ દરેક કરદાતા અને કરપાત્ર સ્ટોરેજ થતું હોય તેવા ગોડાઉન પર તપાસનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વેટ અને એક્સાઇઝમાંથી જીએસટીમાં ટ્રાન્સફર થતી વખતે કરદાતાઓએ વેટ એગ્રીમેન્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, યુટિલિટી બિલ અપલોડ કર્યાં ન હોય ત્યારે ડિપાર્ટમેન્ટે જ્યારે કોઈ તપાસ કરવી હોય ત્યારે મુશ્કેલી પડે છે. આમ આવી પરિસ્થિતિને પગલે ડિપાર્ટમેન્ટ દ્વારા મોટા પાયે સ્પોટ વેરિફિકેશન કરી કરદાતાની ખરાઈ કરવાની શરૂઆત કરાઈ છે. ઉપરાંત કરદાતાની જાણ બહાર સ્થળની મુલાકાત લેવાનું પણ જણાવાયું છે.આમ જો સ્થળની મુલાકાત વખતે અધિકારીને સ્થળ પર રજિસ્ટ્રેશનમાં લખેલી વિગત પ્રમાણેની ખરાઈ કે જરૂરી દસ્તાવેજ જેવા કે મ્યુનિ. ટેક્સ, ભાડા કરાર, કેવાયસી, જેવા મૂળભૂત ડોક્યુમેન્ટ ન હોય તેવા કિસ્સામાં આ નંબર બંધ કરી દેવામાં આવે છે તેમ જ કરદાતાને આ ક્ષતિ દૂર કરવા નોટિસ આપવામાં આવે છે.નોટિસની સમયમર્યાદામાં જવાબ ન મળે તો તેનો નંબર રદ કરાય છે. જો કોઈ કરદાતા જીએસટીની રજિસ્ટર્ડ જગ્યા પર જીએસટી નંબર અને ફર્મનું નામ ન હોય તેવા કિસ્સામાં અધિકારી દ્વારા રૂ. 25 હજારના દંડની જોગવાઇ કરી છે