Site icon Revoi.in

ધો. 10 પછીના ડિપ્લોમા ઇજનેરીના પ્રવેશ માટે બીજીવાર મુદત લંબાવીને 14મી ઓગસ્ટ કરાઈ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ધો. 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ ધા. 11માં ઉપરાં વિદ્યાર્થીઓ ડિપ્લામાંના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી રહ્યા છે. હાલમાં ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીઓ પાસે હજુ સુધી માર્કશીટ આવી નથી. આ ઉપરાંત સેન્ટ્રલ બોર્ડનું પરિણામ પણ આવ્યું નથી આ સ્થિતિમાં રજિસ્ટ્રેશનની મુદત પૂરી થઇ રહી છે ત્યારે  ફરીવાર પ્રવેશ સમિતિ દ્વારા આ મુદત વધારીને 14મી ઓગસ્ટ કરવાની જાહેરાત કરી છે. ડિપ્લોમા ઇજનેરીમાં ગત 17મી જૂનથી પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશનની સમયમર્યાદા બે વખત લંબાવવામાં આવી છે.

ધો. 10 પછીના ડિપ્લામાંના અભ્યાસક્રમોમાં આજે  23મીએ રજિસ્ટ્રેશનની મુદત પૂરી થતી હતી તે હવે 14મી ઓગસ્ટ સુધી ફરીવાર લંબાવી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજે 30 હજાર વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રવેશ સમિતિ દ્વારા આ મુદત લંબાવવા માટે એવું કારણ રજૂ કરવામાં આવ્યું છે કે, સેન્ટ્રલ બોર્ડનું પરિણામ જાહેર કરવાનું બાકી છે ત્યારે આ રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂરી કરી શકાય તેમ નથી. આ ઉપરાંત ગુજરાત બોર્ડ દ્વારા ધો-10ના રેગ્યુલર ઉમેદવારોનું પરિણામ હાલમાં સમિતિ પાસે ઉપલબ્ધ નહોવાથી રજિસ્ટ્રેશન પછી સમિતિએ કરવાની થતી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય તેમ નથી. આ ઉપરાંત ઉમેદવારોને રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન અપલોડ કરવાના થતા લાગુ પડતાં જરૂરી દસ્તાવેજો મેળવવામાં પણ વિલંબ થવાના કારણે રજિસ્ટ્રેશન પૂર્ણ કરી શકાય તેમ નથી. આ તમામ સ્થિતિને ધ્યાનમાં લેતાં અને વાલીઓની રજૂઆતના આધારે રજિસ્ટ્રેશનની કાર્યવાહી 14મી ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવી છે.  17મી જૂનથી રજિસ્ટ્રેશન શરૂ કર્યા બાદ અત્યાર સુધી વિદ્યાર્થીઓએ દસ્તાવેજો અપલોડ કર્યા નથી તેઓને હવે નવી સમયમર્યાદા પૂરી થાય તે પહેલા આ કામગીરી પુર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. રજિસ્ટ્રેશનની મુદત લંબાવવામાં આવ્યા બાદ હવે આગામી દિવસોમાં પ્રવેશ માટેનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.