Site icon Revoi.in

ધોરણ 10 અને 12ની પરીક્ષા અંગે તા. 15મીએ કોવિડની સ્થિતિની સમીક્ષા બાદ નિર્ણય લેવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા કોરોનાના વધતા જતા કેસને કારણે મુલત્વી રાખવામાં આવી હતી. હવે આ પરીક્ષાઓ ક્યારે લેવાશે, તે અંગે હજુ કોઈ જ નિર્ણય કરાયો નથી. કેટલાક વાલીઓ દ્વારા ધોરણ 10ના આશરે 12 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરીને પ્રમોશન આપવાની માગ કરવામાં આવી રહી છે. જોકે કોવિડની અત્યારની સ્થિતિ વચ્ચે પણ રાજ્ય સરકાર એવું સ્પષ્ટપણે માને છે કે, ધોરણ 10ની પરીક્ષા ઓફલાઇન લેવાશે. શિક્ષણપ્રધાન 15 મેએ સમીક્ષા કરે ત્યાર બાદ નિર્ણય લેવાઈ શકે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર વિદ્યાર્થીઓના હિતને ખાતર ધોરણ 10માં માસ પ્રમોશન આપવાના મુડમાં નથી. હાલનો ધોરણ 10નો વિદ્યાર્થી પ્રમોશન લઈને જ ધોરણ 10 સુધી પહોંચ્યો છે. આવા સંજોગોમાં જો તેની ધોરણ 10ની પરીક્ષા પણ લેવામાં ન આવે તો વિદ્યાર્થીની સ્પર્ધાત્મકતા પર અસર થાય તેમ છે. આથી ધોરણ 10ની પરીક્ષા ઓફલાઇન લેવાનું જ સરકાર મક્કમપણે માને છે. એકાદ મહિના પછી કોરોનાના કેસોમાં ઘટાડો થાય અને સ્થિતિ યથાવત્ થાય પછી ધોરણ 10ની પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીને પ્રમોશન આપવું સહેલું છે. પ્રમોશન આપવાથી વિદ્યાર્થીને કાયમી નુકસાન થાય છે તે ભરપાઈ થઇ શકે તેમ ન હોવાથી ઓફલાઇન પરીક્ષા લેવી આવશ્યક છે. અત્યારે ધો.10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી 1થી 8માં એકમ કસોટીના આધારે ઉર્તીણ થયેલો છે. આવા સંજોગોમાં તેના વ્યક્તિત્વના વિકાસ માટે પરીક્ષા લેવાવી જરૂરી છે.