Site icon Revoi.in

અમદાવાદમાં સ્ટોર્મ વોટર પંપીગ સ્ટેશનોનું 6.60 કરોડના ખર્ચે અપગ્રેડેશન કરાશે

Social Share

અમદાવાદઃ ચોમાસાને હવે બે-અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે શહેરના નિચાણવાળા સ્થળોએ વરસાદને લીધે ભરાતા પાણી સામે આગોતરૂ આયોજન કરવા મ્યુનિ.કોર્પોરેશને કવાયત હાથ ધરી છે. જેમાં શહેરમાં પસાર થતી ખારીકટ કેનાલના નીચાણવાળા વિસ્તારોમાંથી ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદી પાણીના નિકાલ માટે જુદા જુદા સ્ટોર્મ વોટર પંપીગ સ્ટેશનોની કાર્યક્ષમતા વધારવા, નવા સબમર્સીબલ ગેટસ સ્ટીલ કરવા, હયાત સિવિલ સ્ટકચરમાં મોડિફીકેશન કરવા સાથે ઇલેક્ટ્રિક અને મિકેનિકલ કામગીરી માટે રૂ.6.60 કરોડનો કોન્ટ્રાકટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કર્યો છે. ચોમાસાના પહેલાં જ ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં JNURM પ્રોજેકટ હેઠળ ખારીકટ કેનાલના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર પંપીગ સ્ટેશનો વર્ષ 2008થી કાર્યરત છે. છેલ્લા 14 વર્ષથી સ્ટોર્મ વોટર પંપીગ સ્ટેશનો ચાલે છે જેનું અપગ્રેડેશન કરવું આવશ્યક છે. કાંકરિયા વ્યાયામશાળા, ઘોડાસર સ્મૃતિ મંદિર, વટવા ગેબનશાહ પીર, નુરનગર, દેવીમાતા તેમજ નીરમાનાળા સ્ટોર્મ પંપીગ સ્ટેશનોની કાર્યક્ષમતા વધારવા નવા સબમર્સીબલ પમ્પસેટસ ઇન્સ્ટોલ કરવા તથા હયાત સિવિલ સ્ટ્રકચરમાં મોડિફીકેશન કરવા સાથે ઈલેક્ટ્રો-મીકેનીકલ એસેસરીઝ સહિતની કામગીરી માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા  જેમાં જણીતા કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજીત રૂ. 6.67 કરોડની જગ્યાએ રૂ.6.60 કરોડના ખર્ચે ટેન્ડરને મંજૂરી આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત લાવવામાં આવી હતી. જેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપવામાં આવી હતી. હવે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરાવામાં આવશે. અને વરસાદી પાણીના નિકાલ માટે સુચારૂ આયોજન કરવામાં આવ્યુ છે.