Site icon Revoi.in

દાઉદના વિશ્વાસુ ડોલા સલીમ સામે મુંબઈ પોલીસની કાર્યવાહી, લૂકઆઉટ નોટિસ જાહેર કરાઈ

Social Share

પૂણેઃ મુંબઈ પોલીસે હવે કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાગરિતો સામે કાનૂની ગાળિયો કસ્યો છે. પોલીસે દાઉદના વિશ્વાસુ મનાતા ડ્રગ્સ ડિલર ડોલા સલીમ સામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાંગલીમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આ ડ્રગ્સને સિંડિકેટમાં દાઉદના ખાસ સાગરિતની સંડોવણી ખુલી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર દાઉસના વિશ્વાસુ ડોલા સલીમ હાલ દુબઈમાં બેઠા-બેઠા સમગ્ર ડ્રગ્સનું નેટવર્ક ચલાવે છે. તેમજ એજન્સીઓથી બચવા માટે  દુબઈથી તુર્કી ભાગી જાય છે. ડોલા સલીમ દુનિયાના બતાવવા માટે રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે પરંતુ અસલમાં તે ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલો છે. ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ડોલા સમીલ કુખ્યાત દાઉદના વિશ્વાસુઓમાં સામેલ છે અને તેના માટે ભારતમાં ડ્રગ્સનો વેપાર જોવે છે. તેમજ તેની સામે તપાસ એજન્સીઓએ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી છે.

મુંબઈ ક્રાઈમબ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના સાંગલીમાં ડ્રગ્સ બનાવતી એક ફેકટરીમાં તાજેતરમાં રેડ કરી હતી. અહીંથી પોલીસે 122.5 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય કિંમત લગભગ 245 કરોડ જેટલી છે. આ રેકેટનો પર્દાફાશ થતા પોલીસે નેટવર્કની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ફેકટરી સુધી પહોંચવા માટે મુંબઈ પોલીસને લગભગ છ મહિના સુધી મહેનત કરી છે. છ મહિનાની તપાસ બાદ સાંગલીની ફેકટરીને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેથી પોલીસે દરોડા પાડીને 11 આરોપીઓને ઝડપી લીધા હતા.