Site icon Revoi.in

અમદાવાદમાં રોડ પર અડિંગો જમાવીને બેઠેલા ઢોરને પકડવા હવે કડક કાર્યવાહી કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થતો નથી. શહેરના રોડ-રસ્તાઓ પર ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે તેથી અકસ્માતો પણ સર્જાય રહ્યા છે.  શહેરમાં રખડતા ઢોર સામે મ્યુનિ.કોર્પોરેશને  લાલ આંખ કરી છે.  મ્યુનિ.ના ઢોર ખાતા દ્વારા શહેરમાં દરરોજ 140થી વધુ ઢોર પકડવામાં આવે છે. તેમજ જ્યાં સુધી રખડતા ઢોરની સમસ્યા દૂર નહિ થાય ત્યાં સુધી આ કાર્યવાહી શરૂ રાખવામાં આવશે. મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રખડતાં ઢોર બાબતે સઘન કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર મામલે મ્યુનિ.કોર્પોરેશને ઢોરના માલિકો સામે 80 જેટલી FIR દાખલ કરી છે. જ્યારે રખડતા ઢોરના 202 માલિકોને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશને  સપ્ટેમ્બર મહિનામા 1073 રખડતા ઢોર પકડયા હતા અને 142 રખડતા ઢોર છોડવામાં આવ્યા હતા. જ્યારે 8.65 લાખ દંડ ઉઘરાવવામાં આવ્યો હતો. તેમજ રખડતા કુતરાની 262 ફરિયાદો અને રખડતા ઢોરની 254 ફરિયાદ નોંધાઈ હતી.

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર રખડતાં ઢોરની સમસ્યા સામાન્ય બની છે. તેમજ આ મુદ્દે હાઇકોર્ટેમાં પણ વારંવાર અરજી કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે પણ લોકોની હાલાકી દૂર કરવા માટે રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવા માટે તંત્રને તાકીદ કરી હતી. જો કે સમયાંતરે આ સમસ્યા ફરી ઉદભવે છે. તેમજ તેના કાયમી નિરાકરણ માટે કોર્પોરેશન તંત્ર હજુ સુધી કોઇ નક્કર આયોજન કરી શક્યું નથી. અમદાવાદ કોર્પોરેશનના ઢોર ખાતા દ્વારા શહેરમા દરરોજ 140થી વધુ ઢોર પકડવામાં આવે છે. તેમજ જ્યાં સુધી રખડતા ઢોરની સમસ્યા દૂર નહિ થાય ત્યાં સુધી આ કાર્યવાહી શરૂ રાખવામાં આવશે