Site icon Revoi.in

જુનિયર તબીબોના બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણય સામે હડતાળની ચીમકી

Social Share

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરીવાર ડોક્ટરોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે. સરકાર દ્વારા બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણયને પગલે ડોક્ટરોમાં નારાજગી ઊભી થઈ છે. અગાઉ કોરોનાના સમયમાં કામગીરી વખતે મળતાં બોન્ડની અત્યારે પણ માંગ કરવામાં આવી છે. જુનિયર તબીબોનું કહેવું છે કે, હાલ કોરોના નિયંત્રણમાં છે અને કેસોમાં વધારો થયો નથી તો બાદબાકી કેવી રીતે મળે?. બીજી તરફ ડોક્ટરોની ગેરવાજબી માંગને પગલે હેલ્થ કમિશ્નર પણ માંગ નહીં સંતોષવા મક્ક્મ છે. જ્યારે ડોક્ટરોએ સરકાર દ્વારા બોન્ડના નિયમમાં ફેરફાર ના કરાય ત્યાં સુધી હડતાળની ચીમકી ઉચ્ચારી છે. આ હડતાળને જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા સમર્થન અપાય તેવી શક્યતાઓ છે. સમગ્ર રાજ્યમાં હોસ્પિટલોને બાનમાં લઈને હડતાળ કરવાની ડોક્ટરોએ ચિમકી ઉચ્ચારી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં કોવિડની પરિસ્થિતિના કારણે સરકારે તમામ બોન્ડેડ તબીબોને હાજર થવા આદેશ કર્યો હતો. તેની સામે તબીબો હાઈકોર્ટમાં ગયા હતા. દરમિયાન આરોગ્ય વિભાગે પરિપત્ર કરીને બોન્ડેડ તબીબો બોન્ડ ભરીને સેવામાંથી મુક્ત થઈ શકશે તેવું જાહેર કર્યું છે. સરકારે આશરે 1400 જેટલા ડોક્ટરોના ઓર્ડર કર્યાં હતાં. પરંતુ કોવિડની અસર ઓસરતાં બોન્ડ લેવાનું સ્વીકાર્યું છે. કોરોનાની બીજી લહેર વખતે સરકારે તબીબોની અછત નિવારવા માટે બોન્ડેડ તબીબો પાસેથી પૈસા લેવાના બદલે સેવા લેવાનું નક્કી કર્યું હતું. તેના ભાગરૂપે આશરે 1400 જેટલાં તબીબોના ઓર્ડર કર્યા હતા. પરંતુ તબીબોએ વિરોધ કરીને હાજર નહીં થતા લગભગ 400 જેટલા તબીબો સામે એફઆઈઆર પણ થઈ હતી. તેથી આ તબીબો કોર્ટમાં ગયા હતા જેનો ચુકાદો બાકી છે.