Site icon Revoi.in

ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ બુધવાર સુધીમાં ચોઈસ ફિલીંગ કરાવી લેવું પડશે

Social Share

અમદાવાદઃ ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે સળંગ ત્રણ વખત પ્રક્રિયા જાહેર કર્યા બાદ કોલેજોને મંજૂરી ન મળતાં કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. હવે ફરીવાર પ્રવેશ સમિતિ દ્વારા અગાઉ પ્રવેશ માટેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને આવતીકાલ તા. 9મી સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ફાર્મસી કાઉન્સિલ દ્વારા કોલેજોને મંજૂરી આપવામાં થયેલા ભારે વિલંબના કારણે માત્ર ફાર્મસીમાં જ પ્રવેશ ઇચ્છતાં વિદ્યાર્થીઓએ ધો.12નું પરિણામ જાહેર થાય પછી અંદાજે 6 માસ સુધી રાહ જોવી પડી છે. અગાઉ પ્રવેશ સમિતિએ ત્રણ વર્ષ કાર્યક્રમ જાહેર કર્યા પછી કોલેજોની મંજૂરી ન આવવાના કારણે પ્રક્રિયા સ્થગિત કરવી પડી હતી. એક વખત મોક રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ કોલેજની ચોઇસ આપ્યા પછી કોલેજની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી.  હવે કાઉન્સિલ દ્વારા તમામ કોલેજોને મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્યમાં જીટીયુની એક કોલેજ સહિત કુલ બે નવી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. બન્ને કોલેજોની મળીને 120 બેઠકોનો વધારો થતાં હાલમાં કુલ 6300 બેઠકો માટે પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. હાલમાં આ બેઠકો માટે 12 હજારથી વધારે વિદ્યાર્થીઓ મેરિટલિસ્ટમાં છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓને 7મીથી 9મી નવેમ્બર સુધી મોકરાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરવાની સુચના આપવામાં આવી હતી.  આગામી 11મી નવેમ્બરે મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરાશે. ત્યારબાદ ફાઇનલ મેરિટલિસ્ટ અને 11મીથી 13મી સુધી પહેલાં રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 15મી નવેમ્બરે પહેલાં રાઉન્ડમાં વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરવામાં આવશે. પહેલાં રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોની વિગતો 19મી નવેમ્બરે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પ્રવેશ કેન્સલ કરાવવા ઇચ્છતાં હોય તો 16મીથી 18મી સુધીમાં કરાવી શકશે. 21મીથી 23મી દરમિયાન બીજા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ અને 25મીએ કોલેજ એલોટમેન્ટ કરવામાં આવશે. બીજા રાઉન્ડમાં ખાલી પડનારી બેઠકોની વિગતો 30મી નવેમ્બરે જાહેર કરાશે.