Site icon Revoi.in

ડિગ્રી-ડિપ્લામાના સેમેસ્ટર-6ના ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે સેમે.-5ની પરીક્ષા લેવાશે

Social Share

અમદાવાદઃ કોરોનાને લીધે ખોરવાઈ ગયેલું શિક્ષણનું ટાઈમ ટેબલ હજુપણ વ્યવસ્થિત બન્યું નથી.  ડિગ્રી-ડિપ્લોમાં ઇજનેરીમાં સેમેસ્ટર 6માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે અગાઉ બાકી રહેલા સેમેસ્ટર 5ની પરીક્ષા આપવી પડશે. નિયમ પ્રમાણે 5મું સેમેસ્ટર 18મી ઓક્ટોબરે પૂરું થતાં 6ઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. હવે 14મી ડિસેમ્બરથી બાકી રહેલા સેમેસ્ટર-5ની પરીક્ષા લેવાનું નક્કી કરાતાં વિદ્યાર્થીઓએ સેમેસ્ટર-5ની પરીક્ષાની તૈયારી સાથે સેમેસ્ટર-6માં અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા હાલમાં વિન્ટર સેમેસ્ટરની એક્ઝામ લેવામાં આવી રહી છે. અગાઉ કોરોના મહામારીના કારણે યુનિવર્સિટી દ્વારા જુદી જુદી પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી હતી. હાલમાં નવેસરથી પરીક્ષાઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ડિગ્રી-ડિપ્લોમા સેમેસ્ટર-5ની પરીક્ષા 14મી ડિસેમ્બરથી લેવામાં આવશે. અગાઉ એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 18મી ઓક્ટોબરના રોજ સેમેસ્ટર-5 પૂરું થઇ જતાં નિયમ પ્રમાણે સેમેસ્ટર-6માં વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. હાલમાં છેલ્લા બે માસથી વિદ્યાર્થીઓ સેમેસ્ટર-6માં અભ્યાસ કરી રહ્યાં છે. હવે યુનિવર્સિટી દ્વારા 14મી ડિસેમ્બરથી સેમેસ્ટર-5ની બાકી રહેલી પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ છે. જે પ્રમાણે હાલમાં સેમેસ્ટર-6માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ વચ્ચે સેમેસ્ટર-5ની બાકી રહેલી પરીક્ષાઓ આપવી પડશે.

વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે, ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરીમાં આ પ્રકારની સ્થિતિના કારણે બંને સેમેસ્ટરની તૈયારી એક સાથે કરવી પડે તેમ છે. વિદ્યાર્થીઓ ઓક્ટોબરથી લઇને અત્યાર સુધી સેમેસ્ટર-6માં ભણી રહ્યાં છે. આ અભ્યાસની સાથે સાથે વચ્ચે સેમેસ્ટર-5ની પરીક્ષા આપવી પડે તેમ હોવાથી ક્યા સેમેસ્ટરની તૈયારી કરવી તેની દ્વિધાભરી સ્થિતિ ઉભી થઇ છે. કોરોના મહામારીને કારણે ઉભી થયેલી પરિસ્થિતિના કારણે ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી જ નહીં, પરંતુ અનેક અભ્યાસક્રમોમાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઇ છે. આર્ટસ, કોમર્સ સહિતના અભ્યાસક્રમોમાં તો આગળના સેમેસ્ટરમાં પાસ થયા પછી પાછળના સેમેસ્ટરની પરીક્ષા આપવી પડે છે.