Site icon Revoi.in

કચ્છના નારાયણ સરોવર પોર્ટની જેટીનું બંધ પડેલું કામ પૂર્ણ કરવા મુખ્યમંત્રીને રજુઆત

Social Share

ભૂજ :  કચ્છમાં દેશના સૌથી મોટા બે બંદરો આવેલા છે. કંડલામાં દીન દયાળ ઉપાધ્યાય પોર્ટ અને મંદ્રા બંદર આયાત-નિકાસનું મહત્વનું ડેસ્ટીનેશન બન્યું છે. કચ્છમાં ભૌગોલિગ રીતે કાંઠા વિસ્તારમાં દરિયાની ઊંડાઈ વધુ હોવાથી અન્ય બંદરોનો વિકાસ પણ થઈ શકે તેમ છે. ત્યારે નારાયણ સરોવર પોર્ટની જેટીનું બંધ પડેલુ કામ સત્વરે શરૂ કરવાની માગ ઊઠી છે.

કચ્છની પશ્ચિમ સરહદે આવેલા નારાયણ સરોવર પોર્ટની જેટીનું બંધ પડેલું કામ તત્કાળ શરૂ કરવા મુખ્યમંત્રી કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. પશ્વિમ કચ્છ વિસ્તારના અગ્રણીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલો આ પ્રોજેકટ 2017થી બંધ છે. ત્યારે આ કામ સત્વરે પુન: શરૂ કરવામાં આવે તો લખપત-અબડાસા વિસ્તારમાં નમક ઉત્પાદન કરતી કંપની માટે આ પોર્ટ દ્વારા ધંધાકીય વિકાસના દ્વાર ખુલે તેમ છે.

મુખ્યમંત્રીને લખેલા પત્રમાં એવી પણ રજુઆત કરવામાં આવી હતી કે, પશ્ચિમ કચ્છની નમક ઉત્પાદન કરતી કંપનીઓ 60થી 70 કિ.મી.ની ત્રિજયામાં આવે છે જ્યારે મુંદરા તથા કંડલા બંદર 200 કિ.મી. દૂર છે. હાલમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓનું પરિવહન ખાવડા રોડથી થાય છે. પરંતુ આ રસ્તો સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જરૂરી હોવાથી ઓવરલોડ વાહનોની સમસ્યા છે. અત્યારે લખપત, નખત્રાણાથી ભુજ માર્ગે લિગ્નાઇટની દૈનિક 1500 જેટલી ટ્રકો અવર જવર કરે છે. એક કંપનીએ ઝારા સુધી સ્વખર્ચે રોડ બનાવ્યો છે. ત્યારે નારાયણ સરોવર પોર્ટનો રોડ બને તો આ વિસ્તારના ગામડાઓને રોજગારીની તકો પણ વધી શકે તેમ છે.

 

Exit mobile version