જ્યારે વ્યક્તિને વધુ તણાવ કે ટેન્શન થવા લાગે એ પછી ધીરે ધીરે તે ડિપ્રેશનનું સ્વરૂપ લેવાનું શરૂ કરે છે. એટલું જ નહીં ડિપ્રેશનને કારણે એ વ્યક્તિને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવવા લાગે છે. ડિપ્રેશનના કારણે લોકો ધીમે ધીમે દુનિયા અને લોકોથી દૂર થઈ જાય છે અને તેઓ એવી દુનિયામાં જાય છે જ્યાંથી તેઓ પાછા નથી આવવા માંગતા.
આ બાબતે જાણકારોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ આત્મહત્યા વિશે વિચારતો હોય ત્યારે તેના લક્ષણો આ પ્રમાણે હોય છે કે તે ચિંતામાં હોય કે તણાવમાં હોય ત્યારે તે ઉદાસ રહેવા લાગે છે. ડિપ્રેશનમાં વ્યક્તિ અચાનક શાંત થઈ જાય છે અને એ પહેલાની જેમ વાતચીત નથી કરતો. જો તમે તમારી આસપાસ કોઈ વ્યક્તિમાં આવા લક્ષણો જુઓ તો તેને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરો અને સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરો.
ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ હંમેશા એકલો રહેવા માંગે છે અને બીજા લોકોથી દૂર ચાલ્યો જાય છે. એવો વ્યક્તિ મિત્રોની વચ્ચે નથી રહેતો કે કોઈ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ પણ નથી લેતો. આ પણ એક મોટું લક્ષણ છે.
જો કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય તો તેનું વર્તન ધીરે ધીરે ખતરનાક બની જાય છે અને તે પોતાને જ નુકસાન પહોંચાડી શકે છે. જેવું કે ડ્રાઇવિંગમાં બેદરકારી, ડ્રગ્સ, દારૂ વગેરે જેવા લક્ષણો સહિત કોઈ વખત પોતાની જાતને ઇજા પણ પંહોચાડી દે છે.