Site icon Revoi.in

પીજી મેડિકલમાં પ્રવેશના નિયમોમાં એકાએક ફેરફાર કરાતા વિદ્યાર્થીઓની આંદોલનની ચીમકી

Social Share

અમદાવાદઃ પી.જી.મેડિકલમાં પ્રવેશને લઇને  નિયમોમાં ફેરફાર કરાતા  ભારે વિવાદ ઊભો થયો છે આ સ્થિતિમાં સમિતિ દ્વારા ચોઇસ ફિલિંગ અને કોલેજ ફાળવણી માટેનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવતાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ડીનને આવેદનપત્ર આપીને તાકીદે ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. જો યોગ્ય ઉકેલ ન આવે તો આગામી દિવસોમાં ડ્યૂટીથી અળગા રહીને વિરોધ પ્રદર્શનની ચીમકી પણ આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેનો સમગ્ર રાજ્યની મેડિકલ કોલેજમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે પ્રવેશના નિયમોમાં ફેરફાર કરતાં પહેલા વિદ્યાર્થીઓેને કોઇપણ પ્રકારની જાણ સુદ્ધાં કરવામાં આવી નથી. ગુજરાતમાં એમબીબીએસ કરનારા વિદ્યાર્થીઓને અન્ય કોઇ રાજ્યમાં પી.જી. માટે સ્ટેટ ક્વોટામાં લાયક ગણવામાં આવતાં નથી. પરંતુ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને ગુજરાતમાં સ્ટેટ ક્વોટા માટે માન્ય કરી દેવામાં આવ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓ એમબીબીએસમાં અભ્યાસ બાદ બોન્ડેડ સેવાઓ આપવા માટે બંધાયેલા આમ છતાં તેઓની અવગણના કરીને અન્ય રાજ્યો અને વિદેશમાંથી એમબીબીએસ કરીને આવેલા વિદ્યાર્થીઓને પી.જી. મેડિકલમાં સ્ટેટ કવોટા માટે ક્વોલિફાઇ ગણવામાં આવતાં સ્થાનિક વિદ્યાર્થીઓને ભારે અન્યાય થાય તેમ છે. તમામ ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરીને તાકીદે ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી હતી. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં ન આવે તો ડ્યૂટીથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.