Site icon Revoi.in

દેશમાં ઉનાળો વધારે આકરો બન્યો, રાજસ્થાનમાં તાપમાનનો પારો 50 ડીગ્રીને પાર થવાની આગાહી

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં ઉનાળાના આરંભ સાથે અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં તાપમાનના પારામાં વધારો થયો છે. દરમિયાન હવામાન વિભાગે આ વર્ષે ગરમીનો પારો 50 ડિગ્રી ઉપર પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મે મહિનો સૌથી ગરમ રહેવાની શકયતા છે. પશ્ચિમી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. આગામી દિવસોમાં હજુ દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડવાની શકયતા છે. બીજી તરફ આ વર્ષે ચોમાસામાં દેશમાં સારો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં જ 47 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઈ હતી. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ, લખનૌ અને ઝાંસીમાં 45 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત હરિયાણાના ગુરુગ્રામ, મધ્યપ્રદેશના સતના, દિલ્હી, રાજસ્થાનના શ્રીગંગાનગર સહિત દેશના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડીગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં પણ બે દિવસમાં 44 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું. તેમજ ગુજરાતમાં આકરી ગરમીને લઈને લોકોને બપોરના સમયે કામ વગર બહાર નહીં નીકળવા માટે અપીલ કરવામાં આવી હતી.