Site icon Revoi.in

ગુજરાતમાં ઉનાળુ વાવેતરમાં વધારો થયોઃ 10.77 લાખ હેકટરમાં વાવેતર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ખરીફ અને રવિ મોસમની સરખામણીએ ઉનાળુ વાવેતર ઘણુ ઓછું થાય છે. ઉનાળુ પાક ચોમાસાની શરૂઆત સુધીમાં બજારમાં આવી જાય છે. ગયા વર્ષે 11 એપ્રિલની સ્‍થિતિએ રાજ્‍યમાં 9.38 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. જેની સરખામણીમાં ચાલુ વર્ષે ઉનાળુ વાવેતરમાં વધારો થયો છે. ચાલુ વર્ષે હાલની સ્થિતિએ 10.77 લાખ હેકટરમાં વાવેતર થયું છે. ગયા વર્ષની સરખામણીએ 1.39 લાખ હેકટરમાં વધારે વાવેતર થયું છે.

સુત્રોના જણાવ્યા અનૂસાર ચાલુ વર્ષે 3.48 લાખ હેકટરમાં ધાન્‍ય પાક, 92886 હેકટરમાં કઠોળ અને 1.64 લાખ હેકટરમાં તેલીબિયા પાકો વાવેતર થયું છે. અન્ય વાવેતર વિસ્‍તારમાં ડુંગળી, શેરડી, શાકભાજી, ઘાસચારો, ગુવાર ગમ અને અન્‍ય પાકોનું વાવેતર થયું છે. રાજ્‍યનું કુલ ઉનાળુ વાવેતર 10.77 લાખ હેકટરમાં થયું છે. તે પૈકી 32 ટકા જેટલું વાવેતર સૌરાષ્‍ટ્રમાં છે. નોર્મલ વાવેતર વિસ્‍તારની સામે ચાલુ વર્ષે થયેલ વાવેતરની ટકાવારી 120 છે. ઉનાળુ પાક તરીકે મગફળી, તલ, ડુંગળી, ડાંગર, બાજરી, મકાઇ, મગ, અડદ, શેરડી, શાકભાજી વગેરેનું વાવેતર કરવામાં આવે છે. ઉનાળામાં ઉત્તર ગુજરાતમાં મુખ્‍યત્‍વે બાજરી, મધ્‍ય ગુજરાતમાં બાજરી અને ડાંગર, સૌરાષ્‍ટ્રમાં મગ, તલ અને મગફળી, દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શેરડીનું વાવેતર થાય છે. ઘાસચારો અને શાકભાજી લગભગ બધા વિસ્‍તારોમાં ઉગાડવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળામાં ખેડૂતોને પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. નર્મદાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે છે.

Exit mobile version