Site icon Revoi.in

ઉનાળો વધારે આકરો રહેશે, રાજકીય ગરમાવા વચ્ચે આકાશમાં સૂર્યદેવતા પણ અગન વર્ષા વરસાવશે

Social Share

નવી દિલ્હીઃ દેશમાં હાલ ઉનાળાના આરંભ સાથે આકાશમાંથી ગરમી વરસી રહી છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. આ દરમિયાન દેશમાં આગામી જુલાઈ મહિના સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ હિટવેવની આગાહી પણ કરવામાં આવી રહી છે.

એક તરફ તમામ રાજકીય પક્ષો અને કાર્યકરો લોકશાહીના સૌથી મોટા તહેવાર સામાન્ય ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસો માટે મોસમના અપડેટ જારી કર્યા છે. IMD DG મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ,એપ્રિલથી જૂન મહિના દરમિયાન મેદાની વિસ્તારોના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમીની સંભાવના છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, એપ્રિલથી લઈને જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની સંભાવના છે, જે દરમિયાન ગરમીનું મોજું લગભગ 10 થી 20 દિવસ સુધી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે માહિતી આપતાં જણાવ્યું કે, પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને ઉત્તર ઓડિશાના કેટલાક ભાગોમાં પણ તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન ગરમીના મોજાની સૌથી ખરાબ અસર ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, એમપી, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ, આંધ્રપ્રદેશમાં જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલ થી જૂન મહિના દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ, પૂર્વોત્તર રાજ્યો અને ઉત્તર ઓડિશાના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે. જ્યારે, એપ્રિલમાં દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે, મધ્ય દક્ષિણ ભારતમાં આની વધુ સંભાવના છે.

IMDના ડીજી મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, સામાન્ય એકથી ત્રણ દિવસની સરખામણીએ આ વિસ્તારોમાં ગરમીનું મોજું બેથી આઠ દિવસ રહેવાની ધારણા છે.