Site icon Revoi.in

સુનંદા પુષ્કર ડેથ કેસ: શશી થરુરની મુશ્કેલી વધશે, ચાલશે આપઘાત માટે ઉશ્કેરવાનો કેસ

Social Share

સુનંદા પુષ્કર ડેથ કેસમાં કોંગ્રેસના નેતા શશી થરુરની મુશ્કેલી વધે તેવા આસાર છે. દિલ્હીની સેશન કોર્ટે સુનંદા પુષ્કરને કથિતપણે આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે શશી થરુર વિરુદ્ધ સુનાવણી શરૂ કરશે. આ સુનાવણી 21 ફેબ્રુઆરીએ શરૂ થશે. મહત્વપૂર્ણ છે કે 17 જાન્યુઆરી-2014ના રોજ દિલ્હીની લીલા પેલેસ હોટલમાં સુનંદા પુષ્કરની લાશ શંકાસ્પદ અવસ્થામાં મળી હતી.

અધિક મુખ્ય મેટ્રોપોલિટન કોર્ટે આ કેસને સેશન કોર્ટમાં મોકલી દીધો છે. કોર્ટે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની એ અરજીને નામંજૂર કરી છે કે જેમાં તેમણે આ મામલામાં કોર્ટનો સહયોગ કરવાની વાત કહી હતી. કોર્ટ આ મામલાની આગામી સુનાવણી 21 ફેબ્રુઆરીથી કરશે.

કોર્ટના આ આદેશ પર પ્રતિક્રિયા આપતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે પટિયાલા હાઉસ કોર્ટે આ કેસમાં દિલ્હી પોલીસનો તપાસ રિપોર્ટ જાહેર કર્યો નથી. પરંતુ કોર્ટે આ રિપોર્ટને આગળની જરૂરિયાત ગણાવીને તેને રાખવા માટે જણાવ્યું છે, જે મહત્વપૂર્ણ છે.  

સુબ્રમણ્યમ સ્વામીએ કેટલાક સમય પહેલા એક ન્યૂઝચેનલની સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસે આ મામલાને રફેદફે કરવા માટે કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ સોનિયા ગાંધી પાસેથી કથિતપણે નાણાં લીધા. મહત્વપૂર્ણ છે કે સુનંદા પુષ્કરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઝપાઝપી દરમિયાન આવેલી ઈજાઓના નિશાનનો કથિતપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આ મામલામાં દિલ્હી પોલીસે કોઈ કેસ નોંધ્યો નથી. શશી થરુરના પત્ની સુનંદા પુષ્કરના મોતના મામલાના ચાર વર્ષ વીતી ગયા બાદ પણ દિલ્હી પોલીસ ન તો ચાર્જશીટ દાખલ કરી શકી છે અને ન તો કોઈની ધરપકડ કરી શકી છે.

ઓક્ટોબર-2017માં કોર્ટ તરફથી ફટકાર લાગ્યા બાદ દિલ્હી પોલીસે લીલા પેલેસ હોટલના રૂમ નંબર-35ને ખોલવાની મંજૂરી આપી હતી. દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે મામલાની તપાસ માટે તેને રૂમને સીલ રાખવાની જરૂરત છે. પરંતુ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે પોલીસ સુનંદા પુષ્કરના મોતના કારણો સુનિશ્ચિત કરી શક્તી નથી, માત્ર આ આધાર પર હોટલના રૂમને બંધ રાખી શકાય નહીં.