Site icon Revoi.in

ગુજરાતના કોમી તોફાનો અને બાબરી ધ્વંસ સાથે જોડાયેલા કેસ બંધ કરવા સુપ્રીમનો નિર્દોશ

Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ ધ્વંસ અને ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેસ બંધ કરવાનો મહત્વનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોને લઈને દાખલ કરવામાં આવેલી અનેક અરજીઓનો હવે કોઈ અર્થ નથી. આથી તેમની સામેની કાર્યવાહી બંધ કરવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોના 9માંથી 8 કેસમાં ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે.

સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો સંબંધિત તમામ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ યુયુ લલિતની બેન્ચે મંગળવારે કહ્યું કે આટલા લાંબા સમય પછી આ મામલાની સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી.

આ સિવાય કોર્ટે બાબરી મસ્જિદ ધ્વંસ સંબંધિત અવમાનના કેસને પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં એડવોકેટ પ્રશાંત ભૂષણ અને પત્રકાર તરુણ તેજપાલ વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપ્યો છે. જો કે, અગાઉ આ મામલે બંનેએ માફી માંગી છે.

હકીકતમાં, 2009માં એક ઈન્ટરવ્યુમાં પ્રશાંત ભૂષણે ભૂતપૂર્વ અને વર્તમાન ન્યાયાધીશો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ મામલે દલીલ કરતા કપિલ સિબ્બલે કહ્યું કે પ્રશાંત ભૂષણ અને તરુણ તેજપાલે માફી માંગી લીધી છે. તેથી બંને સામેનો કેસ બંધ થઈ શકે છે. તેમની માંગ જસ્ટિસ ઈન્દિરા બેનર્જી, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેન્ચે સ્વીકારી હતી.

નવેમ્બર 2009માં પ્રશાંત ભૂષણ અને તરુણ તેજપાલને નોટિસ આપવામાં આવી હતી. આ અંગે પ્રશાંત ભૂષણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘2009માં મેં તહેલકાને આપેલા ઈન્ટરવ્યુમાં ભ્રષ્ટાચાર શબ્દનો ઉપયોગ કોઈ ખાસ વસ્તુ માટે કરવામાં આવ્યો ન હતો. મેં આ વાત વ્યાપક સંદર્ભમાં કહી છે. તેને નાણાકીય ભ્રષ્ટાચાર સાથે કોઈ લેવાદેવા નથી. જો કોઈ ન્યાયાધીશ અથવા તેમના પરિવારને આનાથી દુઃખ થયું હોય, તો હું તેના માટે માફી માંગુ છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2002ના ગુજરાત રમખાણોમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપનાર SITના રિપોર્ટ સામે આ અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું કે, ઝાકિયાની અરજીમાં યોગ્યતા નથી.

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાકાંડ બાદ ગુજરાતમાં કોમી હિંસા ફાટી નીકળી હતી. બદમાશોએ પૂર્વ અમદાવાદમાં લઘુમતી સમુદાયની વસાહત ‘ગુલબર્ગ સોસાયટી’ને નિશાન બનાવી હતી. જેમાં ઝાકિયા જાફરીના પતિ પૂર્વ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરી સહિત 69 લોકો માર્યા ગયા હતા.