Site icon Revoi.in

EDના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી વધારવાની મંજૂરી, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારને રાહત

Social Share

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ 15 ઓક્ટોબર સુધી લંબાવવાની કેન્દ્રની માગણી પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે મિશ્રાના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી વધારવાની મંજૂરી આપી હતી. તેની પાછળ દેશનું હિત દર્શાવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં  સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે તમામ અરજીકર્તાઓને જાણ કરી દીધી છે. અમે જાણીએ છીએ કે તમે તેમને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે, પરંતુ સંજોગો અસાધારણ છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની મુલાકાત નવેમ્બરમાં છે. આ અંગે જસ્ટિસ બી.આર. ગવઈએ કહ્યું કે શું તમે એવી ઈમેજ નથી બનાવી રહ્યા કે અન્ય તમામ અધિકારીઓ અયોગ્ય છે? માત્ર એક અધિકારી જ કામ કરવા સક્ષમ છે.

કેસની હકીકત અનુસાર, સુપ્રીમ કોર્ટે ED ડાયરેક્ટર એસકે મિશ્રાને 15 સપ્ટેમ્બર સુધી ED ડાયરેક્ટર તરીકે ચાલુ રહેવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે ED ડિરેક્ટર તરીકે એસકે મિશ્રાના કાર્યકાળને વધારવાની મંજૂરી આપી છે. આ પહેલા કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી જોરદાર ફટકો પડ્યો હતો.

ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળના વિસ્તરણને સર્વોચ્ચ અદાલતે ગેરકાયદેસર ગણાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે તેમને તેમના પેન્ડિંગ કામો ક્લિયર કરવા માટે 31 જુલાઈ, 2023 સુધીનો સમય આપ્યો હતો. ઉપરાંત, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે ED ડિરેક્ટરના કાર્યકાળને મહત્તમ પાંચ વર્ષ સુધી લંબાવવા માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં કરેલા સુધારાને સમર્થન આપ્યું હતું.

સંજય કુમાર મિશ્રાને નવેમ્બર 2018માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના પૂર્ણ-સમયના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સંજય મિશ્રા 1984-બેચના ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) ઈન્કમ ટેક્સ કેડરના અધિકારી છે. તેમની અગાઉ તપાસ એજન્સીમાં મુખ્ય વિશેષ નિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. EDમાં તેમની નિમણૂક પહેલા સંજય મિશ્રા દિલ્હીમાં આવકવેરા વિભાગના ચીફ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. 2020 માં, કેન્દ્ર સરકારે પ્રથમ તેમને એક વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. ત્યારબાદ તેમને 18 નવેમ્બર, 2021 સુધી એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

2021 માં, તેમનો કાર્યકાળ પૂરો થવાના એક દિવસ પહેલા, તેમને ફરીથી સેવાનું વિસ્તરણ આપવામાં આવ્યું. આ બીજી વખત હતું. 17 નવેમ્બર, 2022 ના રોજ સંજય કુમાર મિશ્રાની બીજી સેવા વિસ્તરણ સમાપ્ત થાય તે પહેલાં જ, કેબિનેટની નિમણૂક સમિતિએ ત્રીજા સેવા વિસ્તરણને એક વર્ષ (18 નવેમ્બર, 2022 થી 18 નવેમ્બર, 2023 સુધી) માટે મંજૂરી આપી હતી. સરકારે ગયા વર્ષે એક વટહુકમ બહાર પાડ્યો હતો, જેમાં ED અને CBIના ડિરેક્ટરનો કાર્યકાળ ફરજિયાત બે વર્ષના સમયગાળા પછી ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નિયામકના કાર્યકાળના વિસ્તરણને પડકારતી વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમનું સર્વિસ એક્સટેન્શન ગેરકાયદેસર ગણાયું હતું.