Site icon Revoi.in

સુરતમાં ઈન્કમ ટેક્સ વિભાગનું સર્ચ, સટ્ટા બજાર અને જમીનની લે-વેચ કરનારી ચાર ફર્મ પર દરોડા

Social Share

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરતમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપએ તમામ બેઠકો કબજે કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. દરમિયાન ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગ ન થાય તે માટે આવકવેરા વિભાગના અધિકારીઓ પણ બાજ નજર રાખી રહ્યા છે. દરમિયાન આવકવેરા વિભાગે સટ્ટા બજાર તેમજ જમીનની લે-વેચ કરતી ચાર જેટલી પેઠીઓ સર્ચ હાથ ધરતા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સુરત  ઉપારંત તાપી જિલ્લામાં પણ  આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધયુ હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ આવકવેરા વિભાગે જમીન દલાલ, સટ્ટા રમનારા અને બ્લેકમની જનરેટ કરવાના કામ સાથે સંકળાયેલાઓના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.  આઈટી  વિભાગની કાર્યવાહીમાં ખેડૂતો પણ આવી ગયા છે.  કેટલાક ખેડૂતો વ્યાજે રૂ પિયા ફેરવતા હોવાની માહિતી આઇટીને મળી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાળા નાણાની હેરફેરી પર આઈટીના અધિકારીઓ દ્વારા  નજર રખાઇ રહી છે ત્યારે કેટલાંક ડેટા અને ટ્રાન્ઝેકશનની ચકાસણીમાં સોનગઢ અને સુરતમાં દરોડા પાડવામાં આવ્યા છે. તાપીના સોનગઢમાં સટ્ટા સાથે સંકળાયેલા શખ્સોના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે જ સુરતમાં જમીન લે–વેચના વ્યવહારોમાં ચાર પાર્ટીઓ આવકવેરા વિભાગના સકંજામાં આવી હતી. આવકવેરા વિભાગની તપાસમાં મોટી માત્રામાં કાળું નાણું તેમજ  બેનામી વ્યવહારો પકડાયા હોવાનું કહેવાય છે. અધિકારીઓ હાલ જે તે પાર્ટીઓના સ્ટેટમેન્ટ લઇ રહ્યા છે.

સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, આટીના અધિકારીઓ છેલ્લાં લાંબા સમયથી જમીનોના સોદા પર વોચ રાખી રહ્યા હતા. ડોકયુમેન્ટની ચકાસણી બાદ મોટા ધડાકાની સંભાવના આઈટી અધિકારીઓ વ્યક્ત  કરી રહ્યા છે.  ચૂંટણી જાહેર થયા પછી કેટલાક શંકાસ્પદ વ્યવહારો ઝડપાયા હતા. જેના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ આઇટીએ જમીન દલાલ, સટ્ટા રમનારા અને બ્લેકમની જનરેટ કરવાના કામ સાથે સંકળાયેલાઓના 6 જગ્યાએ દરોડા પાડયા હતા. જમીનદલાલ સહિત અનેક લોકોને ત્યાં આઇટીની તપાસ થતાં મોટા માથાના નામો સામે આવવાની શકયતા છે. આઇટીને ખેડૂતો વ્યાજે  રૂપિયા ફેરવતા હોવાની માહિતી પણ મળી હતી તેથી તમામને ત્યાંથી મળેલા ડોકયુમેન્ટસની ચકાસણી પણ શરૂ કરાઇ છે.