Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં બેઋતુનો અનુભવ, રાત્રીના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં હાલ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે ઉનાળા જેવી ગરમી અને રાત્રએ ઠંડીનો ચમકારો અનુભાવાઈ રહ્યો છે. ત્યારે ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યુ છે. જિલ્લામાં હાલ ખરીફ સીઝન ચાલતી હોવાથી ખેડુતો ખેતી કામમાં પરોવાયેલા છે. બીજીબાજુ શહેરોથી લઈને ગામડાંઓમાં પણ નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે. બે ઋતુને કારણે વાયરલ બિનારીઓ પણ માથું ઉચક્યું છે.

ઝાલાવાડમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિદાય લીધી છે. ત્યારે ચોમાસાની વિદાય અને શિયાળાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી મોડી રાતના સમયે અને વહેલી સવારના સમયે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા  રાતના સમયે બફારો અનુભવાતો હતો. ત્યારે હવે ઠંડીનો ચમકારો દેખાતા લોકોને પોતાના એસી બંધ કરવાની ફરજ પડી રહી છે. વહેલી પરોઢે તો ચાદર કે રજાઈ ઓઢવાની ફરજ પડી રહી છે. ત્યારે હવામાન વિભાગની કચેરીએ નોંધાયેલા હવામાનના આંકડા પર નજર કરીએ તો છેલ્લા પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો 25.8થી ગગડીને 23.4 થઈ ગયો છે. એટલે કે લધુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જોકે બપોરના ટાણે લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે મહત્તમ તાપમાન પણ છેલ્લા પાંચ દિવસમાં એક ડીગ્રીનો ઘટાડો થયો છે. વહેલી સવારે કામ કરતા પેપર વિતરકો, દુધ-શાકભાજીવાળાને તો સ્વેટર પહેરવા પડે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

જિલ્લામાં હાલ ખરીફ સીઝનને લીધે ખેડુતો વહેલી સવારથી પોતાના વાડી-ખેતરોમાં પહોચીને ખેતીના કામમાં પરોવાઈ જાય છે. સારા વરસાદ અને નર્મદા કેનાલને લીધે સિંચાઈની સુવિધાને લીધે આ વર્ષે ખરીફ પાક પણ મબલખ થવાની ખેડુતોને આશા છે.