Site icon Revoi.in

ઝાલાવાડ પંથકમાં ઉનાળાના આગમન સાથે પાણીની રામાયણઃ જિલ્લાના 150 તળાવો ખાલીખમ

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ઉનાળાના આગમન સાથે ઉષ્ણાતામાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો હોવાથી જિલ્લાના મોટાભાગના તળાવો સુકાવા લાગ્યા છે. જિલ્લામાં 150 જેટલા તળાવો સુકાઈ જતાં મુંગા અબોલ પશુઓની હાલત દયનીય બની છે. કેટલાક ખેડુતો દ્વારા આ તળાવોમાં મશીનો મૂકી પાણી ખેંચી લેવાતા મોટાભાગના તળાવો આકરા ઉનાળા પહેલા જ તળીયા ઝાટક બન્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગના ગામડાંઓમાં પ્રવેશતાની સાથે સુંદર તળાવ અવશ્ય જોવા મળે . ચોમાસામાં ગામડાંના તળાવ છલકાયા બાદ ગ્રામજનો અને મુંગા અબોલ પશુઓને વર્ષભર પાણી મળી રહે છે.  આ વર્ષે ચોમાસામાં જોરદાર વરસાદ ખાબકતા જિલ્લાના મોટાભાગના ગામ તળાવો છલકાઇ ગયા હતા. પરંતુ  જિલ્લાના મોટાભાગના ગામ તળાવોમાંથી આકરા ઉનાળા પહેલા જ લોકો અને ખેડૂતો દ્વારા મશીનો અને એન્જીનો મૂકી બેરોકટોક પાણીની ચોરી કરાતા અને યોગ્ય તકેદારીના અભાવે જિલ્લાના અંદાજે 150 જેટલા તળાવો તો આકરા ઉનાળાની શરૂઆત પહેલા જ ખાલીખમ થઇ જતા લોકોની સાથે સાથે મુંગા અબોલ પશુઓની હાલત અત્યંત કફોડી બનવા પામી છે.

નર્મદા નીરનો સૌથી વધુ લાભ પછાત સુરેન્દ્રનગર જિલ્લાને થયો છે. એમાય રણકાંઠાના 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદાના નીર પહોચ્યા હોવાની તંત્ર દ્વારા ગુલબાંગો ફેંકવામાં આવે છે. આથી નર્મદાના નીરથી સુરેન્દ્રનગર જિલ્લાના ખાલીખમ તળાવો તાકીદે ભરવામાં આવે એવી વ્યાપક માંગ ઊઠી છે. ખારાઘોડા, પાટડી, ઓડું, મીઠાઘોડા અને સાવડા એમ રણકાંઠાના પાંચ ગામોને જોડતા ખારાઘોડા નવા તળાવના પણ ચોમાસા પહેલા જ તળીયા દેખાવા લાગ્યા છે. રણકાંઠામાંથી પસાર થતી એક કેનાલનું નામ પણ ‘ખારાઘોડા શાખા’ કેનાલ હોવા છતાં આજ દિન સુધી ખારાઘોડાને નર્મદા કેનાલનું ટીપુંય પાણી મળ્યું નથી.