Site icon Revoi.in

ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા અભિયાન 31મી ડિસેમ્બર સુધી લંબાવાયું, CMએ કરી જાહેરાત

Social Share

ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ શરૂ કર્યું છે ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાનને પૂરતા વેગ સાથે આગળ ધપાવ્યું છે અને જનસમૂહને આ અભિયાન સાથે જોડીને ‘સ્વચ્છ ગુજરાત’ માટે વિશેષ ઝુંબેશ ચલાવી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીએ ગુજરાતમાં ચાલી રહેલા ‘નિર્મળ ગુજરાત’ અભિયાનને વધુ એક સપ્તાહ સુધી એટલે કે તા.31મી ડિસેમ્બર -2023 સુધી લંબાવવાની જાહેરાત કરી છે. એટલું જ નહિ, ‘નિર્મળ ગુજરાત 2,.૦’ અભિયાન અંગેની માર્ગદર્શિકાનું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન તમામ નગરોમાં ચાલી રહ્યું છે. શહેરના જાહેર માર્ગોને સ્વચ્છ બનાવવા વિશેષ દરકાર રાખવામાં આવી રહી છે. સ્વચ્છતા અભિયાનમાં ધારાસભ્યો, સાંસદો તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ પણ જોડાયા હતા. આ અભિયાનમાં સામાજિક સંસ્થાઓને પણ જોડવામાં આવી હતી. ગુજરાત સરકારના વિવિધ વિભાગો અને વડી કચેરીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેનું સોમવારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. સરકારના વિભાગ અને વડી કચેરી એમ બે કેટેગરીમાં એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ક્લાયમેટ ચેન્જ વિભાગ પ્રથમ ક્રમે, ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા મહેસૂલ વિભાગ દ્વિતીય ક્રમે અને માહિતી અને પ્રસારણ વિભાગ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગ તૃતીય ક્રમે આવ્યું છે. તેવી જ રીતે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પ્રથમ ક્રમે, ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ (ગ્રીમકો) અને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વિતીય ક્રમ અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડે તૃતીય ક્રમ હાંસલ કર્યો છે. (File photo)