Site icon Revoi.in

સ્વામી વિવેકાનંદના જીવન આદર્શો યુવાશક્તિના સમગ્ર જીવનકાળના પ્રેરણા સ્ત્રોત બની શકે તેમ છેઃ ભૂપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજના નાનામાં નાના, છેવાડાના માનવી સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડી વિકસીત, ઉન્નત અને આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવા યુવાશક્તિને આહવાન કર્યુ હતું. ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન પ્રભારી-જિલ્લા સંયોજકો તથા મહાનગરપાલિકા સંયોજકોના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ આ આહવાન કર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ અને દ્રષ્ટિવંત નેતૃત્વમાં ડિઝીટલ ઇન્ડીયા, મેઇક ઇન ઇન્ડીયા, સ્વચ્છ ભારત જેવા અનેક નવતર આયામો દેશમાં વ્યાપક બન્યા છે. વડાપ્રધાનએ ભારતને વિકસીત, ઉન્નત અને આત્મનિર્ભર બનાવવાના ધ્યેય સાથે હરેક યોજનાઓમાં છેવાડાના, નાનામાં નાના માનવીના કલ્યાણનો ભાવ રાખ્યો છે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, યોજનાઓનો લાભ જરૂરતમંદ વ્યક્તિઓ સુધી યથાર્થ રીતે પહોચાડીને સફળ બનાવવામાં સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડના યુવા સંયોજકો સંવાહક બને. સરકારી યોજનાઓના લાભ લોકોને ઘરે બેઠા મળે તેની યોગ્ય માહિતી અને જાણકારી મળે તે માટે મુખ્યમંત્રીએ યુવાઓને ‘ડોર સ્ટેપ ડિલીવરી ઓફ સર્વિસીસ’ રાજ્ય સરકાર લોકોના દ્વારે નો અભિગમ સાકાર કરવા પણ આહવાન કર્યુ હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદે વિશ્વમાં ભારતની શાખ-પ્રતિષ્ઠા ગૌરવ વધાર્યા છે. તેમના જીવન આદર્શો આજની યુવા પેઢીના સમગ્ર જીવનકાળમાં માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત બની શકે તેમ છે. ભૂપેન્દ્ર પટેલે આ યુવાશક્તિને પ્રેરણા આપતાં ઉમેર્યુ કે, હવે સમાજ સમસ્તમાં પણ નવી ઊર્જા પ્રગટી છે. લોકો સ્વચ્છતા પ્રત્યે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન પ્રત્યે તેમજ આત્મનિર્ભરતા માટે વધુ ઉત્સાહી અને જાગૃત બન્યા છે. આવા સંજોગોમાં યુવાશક્તિએ હજુ વધુને વધુ લોકો સુધી યોજનાકિય જાણકારી અને લાભ પહોચાડી રાષ્ટ્રસેવાનું દાયિત્વ નિભાવી વિકસીત-આત્મનિર્ભર ભારતનો પ્રધાનમંત્રીનો સંકલ્પ પાર પાડવા કર્તવ્યરત થવું પડશે.

આ પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન આપતાં ગૃહ, મહેસૂલ અને રમત-ગમત, યુવા પ્રવૃત્તિઓ તથા સાંસ્કૃતિક બાબતોના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે વર્તમાન સમયમાં વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદૃષ્ટિવંત નેતૃત્વમાં નાગરિકોને સરકારી સેવાઓના લાભ મેળવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. સરકાર દ્વારા આજે યોજનાની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આઝાદીના ઘણાં વર્ષો બાદ આ સૌથી મોટી સિદ્ધિ છે.

Exit mobile version