Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજચોરો સામે તંત્રની લાલ આંખ, ખનીજચોરોએ ખોદેલાં ખાડાં પુરવા ઝુંબેશ

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં તંત્ર દ્વારા લાલ આંખ કરવા છતાયે ખનીજ માફિયા કોઈને ય ગાંઠતા નથી. ત્યારે જિલ્લા કલેકટરની સુચના બાદ ખનીજચોરી અટકાવવા નવો જ કીમીયો અજમાવવામાં આવી રહ્યો છે. ખનીજ માફિયાઓ દ્વારા જમીનમાં ખોદકામ કરીને ઊંડા ખાડાઓ કરી દેવાયા છે. અને ત્યાથી ફરીવાર ખોદકામ કરીને ખનીજની ચોરી ન કરે તે માટે જેસીબી અને બુલ ડોઝરની મદદથી ઊંડા ખાડાંઓ પુરવામાં આવી રહ્યા છે. હવે એવો ઘાટ સર્જાયો છે. કે, ખનીજ ચોરી કરવા માટે ખનીજ માફિયાઓને ભારે મહેમત કરવી પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ માફિયાઓ પર તંત્ર દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી ભુસ્તર વિભાગના નિરવ બારોટ સાથે બેઠક યોજી હતી. જ્યારે ભુસ્તર અધિકારીએ રજા કેન્સલ કરવાની સાથે ચાર જિલ્લાની ટીમોને બોલાવીને ખાડા પુરવાની કામગીરી મોટા કાફલા સાથે શરૂ કરતા ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.ભુસ્તર વિભાગની ટીમોને મારીને ભગાડવામાં જિલ્લા પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાથી તંત્ર દ્વારા એસઆરપી પોલીસ બંદોબસ્ત સાથે ટીમો તૈયાર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના થાન અને મુળી વિસ્તારમાં ખનીજના ખાડા પુરવાની કામગીરી હાથ ઘરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં ખાડા પુરનારી ટીમો પર ખનીજમાફિયા ગેંગે પથ્થરમારો કરીને કામગીરી રોકી હતી.આ બનાવ પોલિસની હાજરીમાં બન્યો હતો. તેથી  હવે સ્થાનિક પોલિસને દુર રાખીને  એસઆરપી બંદોબસ્ત સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ભુસ્તર અધિકારીઓએ રજા કેન્સલ કરવાની સાથે ચાર જિલ્લાની ટીમોને બોલાવીને ખાડા પુરવાની કામગીરી મોટા કાફલા સાથે શરૂ કરતા ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

Exit mobile version