Site icon Revoi.in

અમદાવાદમાં બીયુ પરમિશન વગરની મિલકતો સામે તંત્રની લાલઆંખઃ 266 દુકાનો અને 4 હોટલ કરાઈ સીલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફાયરસેફ્ટી મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેમાં કોર્ટે અમદાવાદ કોર્પોરેશન અને સરકારનો ઉધડો લીધો હતો. હવે અમદાવાદ શહેરમાં મનપાનું એસ્ટેટ વિભાગ સફાળુ જાગ્યું છે. તેમજ બીયુ પરમિશન વગર ની મિલકતો સામે કડક કાર્યવાહી હાથ ધરી સીલ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાલડી, નવરંગપુરા, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એસજી હાઇવે પર આવેલી હોટલો અને દક્ષિણઝોનમાં નારોલ, મણિનગર સહિતના વિસ્તારોમાં આવેલી બીયુ વગરની મિલકતોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. જેમાં 4 કોમ્પ્લેક્સની 266 જેટલી દુકાનોને તથા 4 હોટલ પણ સીલ કરાઈ છે. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના પાલડી ચાર રસ્તા પાસે આવેલા શેફાલી કોમર્શિયલ સેન્ટરની 81 દુકાનો-ઓફિસ અને નવરંગપુરા વિજય ચાર રસ્તા પાસે આવેલા યુનિવર્સિટી પ્લાઝાની 69 દુકાનો-ઓફિસ સીલ કરી હતી. દક્ષિણઝોનમાં નારોલ સર્કલ પાસે આવેલા બિઝનેસ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં 90 દુકાનો ઓફિસ અને મણિનગર રેલવે ક્રોસિંગ પાસે કોમ્પ્લેકસની 27 દુકાનો-ઓફિસ સીલ કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સરખેજ ખાતે આવેલી 7 યુનિટ સીલ કર્યા છે.

શહેરમાં મનપા દ્વારા બીયુ પરમિશન મુદ્દે વિવિધ એકમો સામે કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મનપા તંત્ર દ્વારા આ અભિયાનને આગામી દિવસોમાં વધારે તેજ બનાવવામાં આવશે.