અમદાવાદઃ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં વ્યારા વન વિભાગ હસ્તકની ઉનાઈ રેન્જમાં આવેલા પદમડુંગરી ઈકો-ટૂરિઝમ કેમ્પ સાઈટને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બનાવવા માટે એક નવતર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પદમડુંગરી કેમ્પસાઈટ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધને ખૂબ ગંભીરતાથી ધ્યાને લઇ તેમના પરિસરમાં પ્લાસ્ટિક સહિત પર્યાવરણને નુકશાન પહોંચાડે તેવી કોઈપણ ચીજવસ્તુઓ અંદર પ્રવેશે નહીં, તેની બારીકાઈથી દરકાર રાખી રહ્યું છે. વળી, વનવિભાગે એક નવી પહેલ કરતાં કેમ્પ સાઈટ પરિસરમાં જ ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટની સ્થાપના કરી છે. પ્લાન્ટનું સંચાલન ગામની સ્થાનિક મહિલાઓ સંભાળે છે. પદમડુંગરી ઈકો કેમ્પસાઈટ અંબિકા નદીના કિનારે આવેલું હોવાથી નદીના પાણીને સીધું પમ્પ કરી નેનો ટેકનોલોજીથી શુદ્ધ કરવામાં આવે છે, અને ગ્લાસ બોટલમાં પેકેજીંગ કરી ટોકન દરે તેનું વેચાણ કરવામાં આવે છે.
ઈકો ફ્રેન્ડલી વિકલ્પોના અભાવે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનુ લગભગ અશક્ય હોવાથી અહીંયા તેના ઉકેલ તરીકે કાચની પાણીની બોટલનો વિચાર અમલી બનાવવામા આવ્યો છે. જેનાથી અહીં આવતા મુલાકાતીઓ પાસે પ્લાસ્ટિકની બોટલનો વ્યવહારૂ વિકલ્પ ઉપલબ્ધ થઈ શક્યો છે. જેથી કેમ્પમાં આવતાં મુલાકાતી-પ્રવાસીઓને પ્લાસ્ટિક બોટલના સ્થાને કાચની બોટલમાં પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવતા પ્લાસ્ટિકના વપરાશમાં ઘટાડો થશે.
પ્લાસ્ટિકમુક્ત પરિસર બનાવવાના વિચારને વહેતો મૂકનાર, ઉત્સાહી અને કર્મઠ પરિક્ષેત્ર વન અધિકારી રૂચિ દવે જણાવે છે કે, ઈકોટુરિઝમ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય પિકનિક નહીં, પણ લોકોને આપણાં જળ-જંગલ અને જમીન પ્રત્યે સંવેદનશીલ બનવવાનો છે, અને પ્રકૃતિ શિક્ષણ થકી લોકો તેની રક્ષા કરે તે સમજાવવાનો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી જનજાગૃત્તિ અને પ્રકૃત્તિ શિક્ષણ તરફનો અમારો નાનકડો પ્રયાસ છે અને લોકોએ તેને ઉમળકાભેર આવકાર્યો છે. પરિવહન સાથે સંલગ્ન કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં પણ આ પહેલ ઉપયોગી બનશે.
વન વિભાગના નાયબ વન સંરક્ષક આનંદ કુમારે ‘અંબિકા વોટર’ની સફળતા અંગે જણાવ્યુ હતુ કે, બોટલિંગ પ્લાન્ટમાં નદીના કુદરતી ખનિજ-સમૃદ્ધ પાણીને ફિલ્ટર અને ટ્રીટમેન્ટ સાથે અલગ અલગ ભૌતિક, રાસાયણિક અને જૈવિક શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવે છે. સાથોસાથ પાણીમાં તુલસી, ફુદીનો, આદુ અને વરિયાળી જેવા હર્બલ અર્કની થોડી માત્રા ઉમેરવામાં આવે છે, જેનાથી સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. પેકેજીંગ પૂર્વે બોટલોને સારી રીતે સાફ અને સેનિટાઈઝ પણ કરવામા આવે છે. આમ, પદમડુંગરી ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટની વધતી લોકપ્રિયતા અને અહીં આવતા પ્રવાસીઓને વાસ્તવિક અર્થમા આ પરિસરને જ નહીં, પણ તેમના ગામ કે શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટેનો મૂક સંદેશ અને પ્રેરણા આપે છે.