Site icon Revoi.in

ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ,સતત બીજી વખત WTCની ફાઈનલમાં પહોંચી

Social Share

મુંબઈ:ઈતિહાસ રચતા ભારતીય ટીમે સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે.અત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે,આ દરમિયાન ન્યૂઝીલેન્ડની મેચમાંથી આ સારા સમાચાર આવ્યા છે.શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ સમાપ્ત થઈ ગઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 2 વિકેટથી જીત મેળવી છે અને આ સાથે ટીમ ઈન્ડિયા WTC 2023 ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.

ભારત હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે. આ મેચ લંડનના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન રમાશે, 12 જૂનની આ મેચ માટે એક રિઝર્વ પણ રાખવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા તેને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો.

ઈન્દોર ટેસ્ટમાં ભારતની હારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનું સમીકરણ રસપ્રદ બની ગયું હતું અને ટીમ ઈન્ડિયાને ફાઈનલની ટિકિટ માટે થોડો સમય રાહ જોવી પડી હતી. ઈન્દોર ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાનું સ્થાન નિશ્ચિત થઈ ગયું હતું, પરંતુ ભારતની નિર્ભરતા શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ પર રહી હતી. શ્રીલંકા હાલમાં ન્યુઝીલેન્ડમાં બે ટેસ્ટ મેચની સીરીઝ રમી રહ્યું છે, તેને ફાઇનલમાં પહોંચવા માટે સીરીઝ 2-0થી જીતવી જરૂરી હતી, જે થઇ શકી નહી.

ક્રાઈસ્ટચર્ચમાં આ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શ્રીલંકાએ 355 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 373 રન બનાવ્યા હતા. અહીં ડિરેલ મિશેલે શાનદાર સદી ફટકારી હતી. પરંતુ જવાબમાં શ્રીલંકાએ બીજી ઇનિંગમાં વળતો પ્રહાર કર્યો અને 302 રન બનાવ્યા જેમાં એન્જેલો મેથ્યુઝની સદી સામેલ હતી.આવી સ્થિતિમાં શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને જીતવા માટે 285 રનનો ટાર્ગેટ આપ્યો હતો, છેલ્લા દિવસે આ ટાર્ગેટ હાંસલ કરવો શક્ય હતો પરંતુ તે મુશ્કેલ હતું. જોકે, ન્યૂઝીલેન્ડે છેલ્લી ઓવર સુધી મેચ પોતાના નામે કરી લીધી હતી અને અંતે જીત મેળવી હતી.

આશ્ચર્યજનક વાત એ છે કે,ભારત પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ પહોંચ્યું હતું, જ્યાં તેને ન્યૂઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો.હવે ભારત બીજી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે અને આ વખતે તે ન્યૂઝીલેન્ડના કારણે જ શક્ય બન્યું છે.જો ન્યુઝીલેન્ડ આ મેચ હારી ગયું હોત તો ટીમ ઈન્ડિયા માટે ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ હતું.