Site icon Revoi.in

સોશિયલ મીડિયા પર હવે રહેશે વધુ વોચ, શિયાળુ સત્રમાં રજૂ કરાશે બિલ

Social Share

નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના સમયમાં જ્યારે દરેક ચીજવસ્તુ આસાનીથી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે અને સોશિયલ મીડિયાથી સમગ્ર વિશ્વ આપણી મુઠ્ઠીમાં છે પરંતુ ફેસબૂક, ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ભારતીય યૂઝર્સના ડેટાનો દૂરુપયોગની વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે. હવે આ જ દિશામાં મોદી સરકાર એક્શન લેવા તૈયાર છે. હવે સોશિયલ મીડિયાના વધુ કડક નિયમન અને મનસ્વી વલણને રોકવા માટે એક રેગ્યુલેટરી બોડીની રચના કરવાની ભલામણ કરાઇ છે.

વર્ષ 2019માં રજૂ કરાયેલા પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને ધ્યાનમાં રાખીને નિયમનકારી સંસ્થાની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે. ઉચ્ચ સ્તરીય સમિતિએ તેની ભલામણ કરી છે. આનાથી ગૂગલ અને એમેઝોન જેવી કંપનીઓ જે ડેટા સ્ટોર કરે છે તેને સંપૂર્ણપણે રોકવામાં મદદ મળશે. સમિતિનો અભિપ્રાય છે કે જે રીતે ભારતીય પ્રેસ પર પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે, તેવી જ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એક નિયમનકારી સંસ્થા હોવી જરૂરી છે.

નોંધનીય છે કે, પેનલના વડા ભારતીય જનતા પાર્ટીના મંત્રી પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે રિપોર્ટની ભલામણો 29 નવેમ્બરથી શરૂ થતા સંસદીય સત્રમાં રજૂ કરવામાં આવશે. જો આ બિલમાં આપવામાં આવેલા નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો સોશિયલ મીડિયા કંપનીઓની વૈશ્વિક કમાણીના 4% સુધીનો દંડ લગાવવાની જોગવાઈ પણ થઇ શકે છે. તેનાથી નિયમન વધુ કડક બનશે.