Site icon Revoi.in

ભારતના સાયબર સિક્યોરિટી ઉદ્યોગમાં તેજીનો ચમકારો, 9.85 અબજ ડોલરની કમાણી કરી

Social Share

નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના વધતા વ્યાપ અને મહત્વને ધ્યાનમાં રાખતા સાયબર સિક્યોરિટી પણ એટલી જ મહત્વની છે. ભારતનો સાયબર સિક્યોરિટી ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. ભારતના સાયબર સિક્યોરિટી ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન મહત્વપૂર્ણ વૃદ્વિ જોવા મળી છે. તેને કારણે આ ઉદ્યોગની કમાણી પણ વધીને 9.85 અબજ ડોલરે પહોંચી છે.

ઇન્ડિયા સાયબર સિક્યોરિટી ઇન્ડસ્ટ્રીઝ ટાઇટલના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2021માં સાયબર સિક્યોરિટીની આવક વર્ષ 2021માં 8.48 અબજ ડોલર થઇ છે જે વર્ષ 2019ના 4.3 અબજ ડોલરની તુલનાએ આવકમાં 40 ટકાની સરેરાશ વાર્ષિક વૃદ્વિ દર્શાવે છે. તો સાયબર પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીઝની આવક વર્ષ 2021માં 1.37 અબજ ડોલરે પહોંચી છે.

સાયબર સિક્યોરિટી સર્વિસ અને પ્રોડક્ટની માંગમાં આ વૃદ્ધિ સાયબર સિક્યોરિટી ટેલેન્ટ ક્ષેત્રમાં પ્રતિબિંબિત થાય છે, જેની સંખ્યા વર્ષ 2019માં 1,10,000 હતી જે વધીને 2021માં 2.18 લાખ થઇ છે. તેવી જ રીતે પ્રોડક્ટ કંપનીઓ માટે સિક્યોરિટી પ્રોફેશનલ્સની સંખ્યા પણ વર્ષ 2019ના 15,000થી વધીને વર્ષ 2021માં 27,000 થઇ છે.

ભારતનો સાયબર સિક્યોરિટી ઉદ્યોગ અમેરિકા, કેનેડા, યુકે, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને સંયુક્ત અરબ અમીરાતની સાથે સાથે સમગ્ર વિશ્વમાં પોતાના સ્થાનને મજબૂત બનાવી રહ્યું છે. સાયબર સિક્યુરિટી સ્ટાર્ટઅપ્સ નવી ડિજિટલ માર્કેટિંગ ચેનલો અને સેલ્સ પ્રોસેસ ઓટોમેશન સ્ટ્રેટેજી સાથે પોતાને ફરીથી સ્થાપિત કરી રહ્યા છે.