Site icon Revoi.in

ન્યૂયોર્ક: સ્કૂલના વિદ્યાર્થીઓની બીમારીનું અગાઉથી થશે નિદાન, વિદ્યાર્થીઓની સ્માર્ટ થર્મોમીટરથી થશે તપાસ

Social Share

નવી દિલ્હી: ન્યૂયોર્કમાં હવે સ્કૂલના વિદ્યાર્થીઓને બીમારીથી બચાવવા તેમજ બીમારીની ઓળખ અને ઝડપી સારવાર માટે સ્કૂલમાં વિદ્યાર્થીઓની તપાસ સ્માર્ટ થર્મોમીટરથી થશે. આ સ્માર્ટ થર્મોમીટર સતત ઇન્ટરનેટ સાથે જોડાયેલું રહેશે. જેથી બાળકોને તાવ કે બીજા લક્ષણો હશે તો તેનો રિયલ ટાઇમ ડેટા મળશે અને ઝડપથી ટેસ્ટ શક્ય બનશે. ભારતીય મૂળના ઇન્દરસિંહની કંપની કિનસાએ આ થર્મોમીટરનું નિર્માણ કર્યું છે.

આ અંગે ઇન્દરસિંહ કહે છે કે, આનો અર્થ એ નથી કે અમે સ્માર્ટ છીએ પણ અમારી પાસે સાચો અને બહેતર ડેટા હોય છે. કિનસા ન્યૂયોર્કની એલિમેન્ટરી સ્કૂલોને આવા 1 લાખ થર્મોમીટર આપવાની છે. તે માટે તેણે ન્યૂયોર્કના આરોગ્ય વિભાગ સાથે કરાર કર્યા છે.

આ અંગે ન્યૂયોર્કના મેયર બિલ ડી બ્લેસિયોના વરિષ્ઠ સ્વાસ્થ્ય સલાહકાર ડૉ. જય વર્માએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન આપણે જે અગત્યનો બોધપાઠ શીખ્યા છે તે એ છે કે કોઇ બીમારીનો રિયલ ટાઇમ અને ચોક્કસ ડેટા હોવો કેટલો આવશ્યક છે? પ્રથમ તબક્કો ગત મહિને શરૂ થયો છે. જે અંતર્ગત શહેરની 50 સ્કૂલમાં શિક્ષકો, કર્મચારીઓ તેમજ વાલીઓને 5 હજાર થર્મોમીટર નિ:શુલ્ક અપાઇ ચૂક્યા છે.

નોંધનીય છે કે, કોઇને થોડી અશક્તિ કે બીમારી હોય તેવું લાગે અને તે થર્મોમીટરનો ઉપયોગ કરે કે તરત થર્મોમીટર તે બીમાર હોવાનો સ્વાસ્થ્ય વિભાગને સંકેત મોકલશે.

Exit mobile version