Site icon Revoi.in

હવે સ્માર્ટફોનથી કોરોનાનો ટેસ્ટ થશે, વૈજ્ઞાનિકોએ વિકસાવી ટેકનિક

Social Share

વૉશિંગ્ટન: વર્ષ 2020ના નોબેલ પારિતોષિકથી સન્માનિત મહિલા વૈજ્ઞાનિક જેનિફર ડૌડનાએ વધુ એક મહત્વનું સંશોધન કર્યું છે. સેલ જર્નલમાં પ્રસિદ્વ થયેલા એક અહેવાલમાં દાવો થયો હતો કે ટૂંક સમયમાં સ્માર્ટફોનની મદદથી કોરોનાનું ટેસ્ટિંગ થઇ શકશે. 30 મિનિટમાં જ રિઝલ્ટ આવી જશે. જો આ સંશોધન સફળ થાય તો કોરોના ટેસ્ટિંગમાં સમયની બચત થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કેમેસ્ટ્રી માટે વર્ષ 2020નો નોબેલ મેળવનારા વૈજ્ઞાનિક જેનિફર અને તેમની ટીમે એક એવી ટેકનિક વિકસાવી છે જેનાથી મોબાઇલના આધારે જ કોરોનાનું રિઝલ્ટ મેળવી શકાશે. DNA અને RNAના સ્કેનિંગની પદ્વતિથી આ જાણકારી મળશે. સ્માર્ટફોનની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી કેમેરા સ્કેનિંગ થશે અને તેના આધારે માત્ર પોઝિટિવ અને નેગેટિવ જ નહીં, પરંતુ વાયરસનું કેન્દ્ર તીવ્રતા પણ જાણી શકાશે.

નવી પદ્વતિ અનુસાર વાયરસ શરીરમાં છે કે નહીં તેની ચકાસણી કરવા માટે સીધા RNA પર આધાર રાખશે. CRISPR એટલે કે DNAના અમુક હિસ્સા સ્કેન કરીને સ્માર્ટફોન એ જાણી લેશે કે શરીરમાં વાયરસની હાજરી છે કે નહીં.

નોંધનીય છે કે અમેરિકાની ગ્લેન્ડસ્ટોન ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોએ નોબેલ પ્રાઇઝ વિજેતા જેનિફર ડૌડનાના માર્ગદર્શનમાં આ ટેકનિક વિકસાવી છે. તેમણે કહ્યું હતું કે જ્યાં મર્યાદિત સંખ્યામાં જ ટેસ્ટ થઇ રહ્યા છે ત્યાં આ ટેકનિક ખૂબ જ કારગત નીવડશે અને આર્શિવાદરૂપ સાબિત થશે. જો કે આ ટેકનિક એપ બેઝ્ડ હશે કે બીજી કોઇ પદ્વતિના આધારે કામ કરશે તેના અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

(સંકેત)