Site icon Revoi.in

Jio-ક્વાલકૉમે 5Gનું કર્યું સફળ ટેસ્ટિંગ, યૂઝર્સ માટે ટૂંક સમયમાં થશે લૉન્ચ

Social Share

નવી દિલ્હી: રિલાયન્સ જીયોએ વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. રિલાયન્સે અમેરિકાની ટેક્નોલોજી ફર્મ ક્વાલકૉમની સાથે મળી ભારતમાં 5G નેટવર્કનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કર્યું છે. બંને કંપનીઓએ 20 ઑક્ટોબરે અમેરિકાના સૈન ડિયાગોમાં થયેલી એક વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં આ વિશે જાહેરાત કરી છે. જીયોના આ ટેસ્ટિંગ બાદ હવે ભારતમાં ટૂંક સમયમાં ગ્રાહકો સુપરફાસ્ટ 5Gની સુવિધાનો લાભ લઇ શકશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, જીયો અને ક્વાલકૉમે 5GNR સોલ્યૂશન્સ અને ક્વાલકૉમ 5G RAN પ્લેટફોર્મ પર 1 Gbpsથી વધુ સ્પીડ મેળવી લીધી છે. આપને જણાવી દઇએ કે હાલમાં અમેરિકા, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝરલેન્ડ અને જર્મની જેવા દેશોના ગ્રાહકોને 5Gની સુવિધા પ્રાપ્ત થઇ રહી છે. તેઓને 1GBPSની ઇન્ટરનેટ સ્પીડ મળી રહી છે.

આ અંગે રિલાયન્સ જીયોના પ્રેસિડન્ટ મેથ્યૂ ઓમાને ક્વાલકૉમ ઇવેન્ટમાં જણાવ્યું કે ક્વાલકૉમ અને રિલાયન્સની સબ્સિડિયરી કંપની રેડિસિસની સાથે સંયુક્તપણે મળીને અમે 5જી ટેકનીક પર કામ કરી રહ્યા છીએ, જેથી ભારતમાં તેને વહેલી તકે લૉન્ચ કરી શકાય. આગામી દિવસોમાં ભારતના યૂઝર્સ પણ ! Gbpsની સુપર સ્પીડની સવલતની મજા લઇ શકશે.

આ વર્ષે જુલાઇમાં ક્વાલકૉમ વેન્ચરના ઇન્વેસ્ટમેન્ટ એકમ ક્વાલકૉમ ઇન્કે જીયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ક્વાલકૉમે જીયો પ્લેટફોર્મ્સમાં 730 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

દેશમાં 5G ટેક્નોલોજીના આગમન બાદ ગ્રાહકોને ઇન્ટરનેટની લૉ સ્પીડની ઝઝંટમાંથી મુક્તિ મળશે અને તેઓ સુપર ફાસ્ટ સ્પીડ સાથે તેઓના કામને ઝડપી રીતે પૂરા કરી શકશે. ક્વાલકૉમ ટેક્નોલોજીસ દુનિયાની અગ્રણી વાયરલેસ ટેક્નોલોજી ઇનોવેટર છે જે જીયો પ્લેટફોર્મ્સ સાથે સંયુક્તપણે 5જી ટેકનિક પર કાર્ય કરી રહી છે.

(સંકેત)