Site icon Revoi.in

જાણો ઇન્ટરનેટમાં શું હોય છે I AM NOT A ROBOTનું ચેક્સ બોક્સ, શા માટે તે વપરાય છે

Social Share

અમદાવાદ: આપણે ઘણીવાર ઇન્ટરનેટ પર કોઇ વસ્તુ એક્સેસ કરતી વખતે I AM NOT A ROBOT મેસેજનો સામનો કરતા હોઇએ છે અને તેના પર ટિક કર્યા બાદ જ આપણે આગળ વધી શકીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ચાર શબ્દોનું ચેક બોક્સ જેને કોઇ બોટ ટિક નહીં કરી શકે, એ હકીકતમાં છે શું? ચાલો આજે તેના વિશે જાણીએ.

બોટ એ એક પ્રકારનું એવું ઓટોમેટેડ કમ્પ્યુટર પ્રોગ્રામ છે, જે ઇન્ટરનેટ પર સરળ તેમજ વારંવાર થતા કામને ખૂબ જ તેજીથી કરે છે. જો ઑનલાઇન ટિકિટ ખરીદીમાં બોટનો ઉપયોગ કરાય તો તે ગણતરીની સેકન્ડમાં બોટ તમામ ટિકિટની ખરીદી કરી શકે છે. ઇન્ટરનેટને આવા જ પ્રકારના ઓટોમેટેડ પ્રોગ્રામથી બચાવવા માટે વર્ષ 1997માં કેપચાની શોધ કરવામાં આવી હતી. કેપચામાં એવા આડા અવળા શબ્દોને વાંચીને લખવા પડતા હતા જેને બોટ નહીં વાંચી શકે. આ જ કારણોસર બોટ તેમજ માણસમાં ફરક કરવાનું આસાન થઇ ગયું હતું. જો કે સમય જતા ટેકિનકમાં નવીનતા આવી અને બોટ પણ ખૂબ આસાનીથી આ કેપચાને વાંચવામાં સક્ષમ થઇ ગયા.

ગૂગલને રિસર્ચ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ બોટ માણસો કરતાં પણ વધુ સરળતાપૂર્વક કેપચાને વાંચવામાં સક્ષમ થઇ રહ્યા છે, જેના પગલે ગૂગલ રિ-કેપચા નામની નવી ટેકનિક લઇને આવ્યું. આમાં એક ચેક બોક્સ હોય છે. જેમાં લખેલું હોય છે આઇ એમ નોટ અ રોબોટ. આ ચેક બોક્સ પર ટિક કરવાથી ખબર પડી જાય છે કે સામેવાળું માણસ છે કે પછી બોટ છે.

શું હોય છે ચેક બોક્સ

આ ચેક બોક્સ એક કોડ હોય છે. જેના પર ક્લિક કરતાની સાથે જ તે એક્ટિવ થઇ જાય છે. આ કોડ આપણા બ્રાઉઝર અને કમ્પ્યુટરમાંથી અમુક ડેટા ગૂગલના એડવાન્સ રિસ્ક એનાલિસિસ એન્જીનને મોકલે છે. ગૂગલનું AI કઇ વસ્તુઓનું વિશ્લેષણ કરે છે. જેમાં ગૂગલ જોઇ શકે છે કે, તમે ચેક બોક્સ પર ક્લિક કરવા પહેલા માઉસ અથવા માઉસ પેડ અથવા તો મોબાઇલ સ્ક્રિનને કેવી રીતે ક્લિક કરી રહ્યા હતા.

ગૂગલ અનુસાર, ચેક બોક્સ પાસે માઉસના નાનાથી નાના મુવમેન્ટથી બોટની ઓળખ સંભવ છે. આની સાથોસાથ તમારું કમ્પ્યુટરનું ટાઇમ ઝોન, લોકેશન, સ્ક્રિન સાઇઝ, સ્ક્રિન રિઝોલ્યુશન, આઇપી એડ્રેસ વગેરેનું વિશ્લેષણ કરે છે. આની સાથે યૂઝર ડેટામાં અન્ય બીજી વિગતોની પણ તપાસ કરવામાં આવે છે. જેની માહિતી સુરક્ષા કારણોસર ગૂગલે ગુપ્ત રાખી હોય છે.

ટૂંકમાં તમે સાદી ભાષામાં સમજો તો જ્યારે તમે ચેક બોક્સ પર ક્લિક કરો છો ત્યારે ગૂગલ દરેક એ ડેટાનું વિશ્લેષણ કરે છે જેનાથી જાણી શકાય કે તમે માણસ છો. આટલી જટિલ પ્રક્રિયાને હાલના સમયમાં ક્રેક કરવું કોઇપણ બોટ માટે સંભવ નથી. જ્યારે ગૂગલની આર્ટિફિશ્યિલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ કોઇ ખાસ નિર્ણય પર આવતું નથી ત્યારે એક નવું ચેક બોક્સ ખુલે છે, જેમાં આપવામાં આવેલા ફોટોમાંથી તમારે અમુક ખાસ પોઇન્ટને ઓળખી આગળ વધવાનું હોય છે. આ ટેક્નોલોજીને બોટ માટે ક્રેક કરવું લગભગ અશક્ય થઇ જાય છે.

(સંકેત)