Site icon Revoi.in

વોટ્સએપ યૂઝર્સ ખાસ વાંચે, જો 15મે સુધી આ કામ નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઇ જશે

Social Share

નવી દિલ્હી: આ વર્ષના પ્રારંભથી જ વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી ચર્ચાના કેન્દ્રમાં રહેલી છે. આ પોલિસી પહેલા 8 ફેબ્રુઆરીએ લાગૂ થવાની હતી, પરંતુ તેને ટાળીને હવે 15 મે કરી દેવામાં આવી છે. એટલે કે હવે વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી 15 મે 2021થી લાગૂ થઇ જશે. તેને લઇને કંપનીએ પોતાના યૂઝર્સને નોટિફિકેશન આપવાનું પણ શરૂ કરી દીધું છે, જેનો સ્વીકાર કરવો પડશે, અન્યથા તમારું એકાઉન્ટ બંધ થઇ શકે છે.

કંપની અનુસાર વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી 15મે થી લાગૂ કરવામાં આવશે. આ સાથે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જો કોઇ વોટ્સએપ યૂઝર્સ પોલિસીનો અસ્વીકાર કરશે તો તેનું એકાઉન્ટ બંધ થઇ જશે. આ વખતે કંપની હવે પોલિસી વધુ મોકૂફ રાખવાની કોઇ યોજના ધરાવતી નથી.

પોલિસી સ્વીકારશો નહીં તો એકાઉન્ટ થઇ જશે બંધ

જો યૂઝર્સ નવી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તેનું એકાઉન્ટ 120 દિવસની અંદર બંધ થઇ જશે. એટલે કે કંપનીની નવી શરતોનો સ્વીકાર નહીં કરનારા યૂઝર્સ 120 દિવસ બાદ પોતાના એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, વોટ્સએપ પોતાના યૂઝર્સને નવી પ્રાઇવસી પોલિસી અપનાવવા માટે નોટિફિકેશન મોકલી રહી છે. એટલું જ નહીં પોલિસીને લઇને લોકોના મનમાં રહેલી શંકાને દૂર કરવાનો પણ કંપની પ્રયાસ કરી રહી છે. આ પહેલા કંપનીએ યૂઝર્સને સ્ટેટસના માધ્યમથી જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે પ્રાઇવસી પોલિસી સંપૂર્ણપણે સિક્યોર છે અને તેના ડેટા સુરક્ષિત છે.

(સંકેત)