Site icon Revoi.in

વોટ્સએપે ફરી પ્રાઇવસી પોલિસી કરી રિલીઝ, જાણો શું કરાઇ જાહેરાત

Social Share

કેલિફોર્નિયા: વિશ્વમાં સૌથી વધુ વપરાતી ચેટિંગ એપ વોટ્સએપે થોડાક સમય પહેલા થયેલા વિવાદ બાદ પોતાની નવી પ્રાઇવસી પોલિસી રિલીઝ કરી છે. શું આ વખતે પણ તમારા ડેટાને ખતરો છે?, શું તમારી અંગત જાણકારી ફેસબૂક તેમજ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવશે. જાણો યૂઝર્સ માટે શું ખતરો છે?

વોટ્સએપે શુક્રવારે પોતાની પ્રાઇવસી પોલિસી રિલીઝ કરી છે. જો કે આ એપે આ વખતે ખૂબ સાવચેતીપૂર્વક શબ્દોને પસંદ કર્યા છે. સાથે જ મૂંઝવણ દૂર કરવા માટે પોઇન્ટર્સનો પણ ઉપયોગ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નવી પ્રાઇવસી પોલિસી ફક્ત બિઝનેસ એકાઉન્ટ માટે રિલીઝ કરવામાં આવી છે. કંપનીએ પોતાના નવા નિવેદનમાં સ્પષ્ટ લખ્યું છે કે અમે અમારી સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસીમાં ફેરફાર કરી રહ્યા છીએ. આ ફેરફાર બિઝનેસ અને તેમના ગ્રાહક વચ્ચે વોટ્સએપ પર થનાર મેસેજિંગ સંબંધિત છે. નવી પોલિસી હેઠળ વોટ્સએપ બિઝનેસના યૂઝર્સના લોકેશન તેમજ કોન્ટેક્ટ લિસ્ટ લઇ શકે છે.

અગાઉ વોટ્સએપે પ્રાઇવસી પોલિસી જાહેર કરી ત્યારે તમામને બળજબરીપૂર્વક તેને સ્વિકારવા માટે કહ્યું હતું. સાથે જ એપએ સ્પષ્ટતા કરી હતી કે જો તમે તેમને સ્વિકારશો નહીં તો વોટ્સએપ ઓપરેટ કરી શકશો નહીં. આ વખતે વોટ્સએપના સૂર બદલાઇ ગયા છે. એપએ કહ્યું કે વોટ્સએપ બિઝનેસની નવી પ્રાઇવસી પોલિસીને સ્વિકારવા માટે દબાણ નથી. તમે શરતોને સ્વિકાર્યા વિના પણ તેનો ઉપયોગ કરી શકશો.

કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તમારી અંગત ચેટની ગોપનીયતાને કોઇ અસર પડશે નહીં. એટલે કે મિત્રો અથવા પરિવારજનોની સાથે થનાર તમારી વાત હંમેશા સુરક્ષિત રહેશે. મિત્રો અને પરિવારજનોની સાથે શેર કરવામાં આવેલા પર્સનલ મેસેજ, કોલ્સ, ફોટો, વીડિયો, લોકેશન વગેરે વોટ્સએપ અને ફેસબૂક, બંનેમાંથી કોઇપણ જોઇ શકશે નહીં.

(સંકેત)