Site icon Revoi.in

હવે ફેસબૂક-ટ્વીટરની જેમ વોટ્સએપમાં પણ તમે Logout કરી શકશો

Social Share

કેલિફોર્નિયા: તમે જ્યારે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ ઓન કરો તો વોટ્સએપમાં જાણે કે મેસેજનો વરસાદ થયો હોય તેમ સતત મેસેજ આવ્યા કરતા હોય છે અને ક્યારેક યૂઝર્સ સતત આવા મેસેજથી પરેશાન થઇ જાય છે. જો કે હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. વોટ્સએપ હવે નવું ફીચર લઇને આવી રહ્યું છે. જ્યાં તમે હવે ફેસબૂક તેમજ ટ્વીટર જેવા અન્ય પ્લેટફોર્મ્સની જેમ તેમાં લોગઆઉટ કરી શકશો. હવે વોટ્સએપ પોતાના ફીચરમાં લોગઆઉટ અપડેટ લાવી રહ્યું છે. યૂઝર્સ પોતાના ફોન પર એપથી જ ડાયરેક્ટ લોગ આઉટ કરી શકશે. આ ફીચરને ટેસ્ટ ફ્લાઇટ બીટા પ્રોગ્રામ અંતર્ગત અપડેટ કરવામાં આવ્યું છે.

મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચર રહેશે – Wabetainfoના રિપોર્ટ પ્રમાણે આઈઓએસ (IOS)યૂઝર્સ માટે વોટ્સએપનું નવું બીટા વર્ઝન 2.21.30.16 સામે આવ્યું છે, જેમાં LogOut ફિચર આપવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે આ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચરનો હિસ્સો હશે અને તેની મદદથી યૂઝર્સ અલગ-અલગ ડિવાઇસથી પોતાનું વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરી શકશે.

વોટ્સએપનું આ નવું લોગઆઉટ ફીચર વોટ્સએપ મેસેન્જર તેમજ વોટ્સએપ બિઝનેસ વર્ઝનમાં આપવામાં આવશે. આ એપલ યૂઝર્સ તેમજ એન્ડ્રોઇડ યૂઝર્સ બંનેને મળશે. જ્યાં સુધી અધિકૃત રીતે આ ફીચરનો સમાવેશ નહીં કરાય ત્યાં સુધી આ ફીચર માટે આતુરતા બની રહેશે. આ આવવાથી વોટ્સએપ જોડે હંમેશા જોડાઇ રહેવાની આદતમાં પણ અનેક અંશે સુધારો થશે.

આ રીતે આ ફીચર કામ કરશે

રિપોર્ટની વાત માનીએ તો આમાં યૂઝર્સ ચાર સ્માર્ટફોનમાં એક એકાઉન્ટને ચલાવી શકે છે અને આ માટે પ્રાઇમરી ડિવાઇઝમાં એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શનની પણ જરૂરિયાત રહેશે નહીં. લોગઆઉટ ફીચરની મદદથી યૂઝર્સ જે ડિવાઇઝમાં ઇચ્છે ત્યાં પોતાનું એકાઉન્ટ લોગઆઉટ કરી શકે છે. તેના આવવાથી આશા કરવામાં આવી રહી છે કે મલ્ટી ડિવાઇઝ સપોર્ટ ફિચર માટે યૂઝર્સે વધારે રાહ જોવી પડશે નહીં.

(સંકેત)