Site icon Revoi.in

તેલંગાણાઃ ટીઆરએસના ચાર MLAને ખરીદવાના રેકેટનો પર્દાફાશ, 3ની ધરપકડ

Social Share

બંગ્લોરઃ તેલંગાણા પોલીસે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના 4 ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસનો પર્દાફાશ કર્યો છે. સાયબરાબાદ પોલીસે દાવો કર્યો છે કે, ફાર્મહાઉસની તપાસ દરમિયાન 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય કેસીઆરની પાર્ટી ટીઆરએસના ધારાસભ્યોને ખરીદવા આવ્યા હતા. તેમની પાસેથી રોકડ અને ચેક પણ મળી આવ્યા હતા.

આ સમગ્ર મામલે TRSએ ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. પાર્ટીના પ્રવક્તા કૃષ્ણકે કહ્યું કે કેસીઆર ધારાસભ્યો વેચાય તેમ નથી. TRSના જે ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરવામાં આવી હતી તેમાં ગુવવાલા બાલારાજુ, બિરમ હર્ષ વર્ધન, પાયલટ રોહિત રેડ્ડી, રેગા કાંથા રાવનો સમાવેશ થાય છે.

સાયબરાબાદના પોલીસ કમિશનર સ્ટીફન રવિન્દ્રએ કહ્યું કે, ટીઆરએસના ધારાસભ્યોએ જ અમને હોર્સ ટ્રેડિંગ વિશે જાણ કરી હતી. જ્યારે અમે અઝીઝ નગરમાં એક ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા ત્યારે અમને રોકડ અને ચેક મળ્યા હતા. કમિશનરે વધુમાં કહ્યું કે ધારાસભ્યોને ખરીદવા માટે 100 કરોડ કે તેથી વધુની ડીલ થવાની શકયતા હતી.

TRS સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર સતીશ રેડ્ડીએ આ સમગ્ર મામલાને લઈને ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. આમાં હોટેલિયર નંદુ જોવા મળે છે. નંદુ પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ છે. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી સાથે નંદુનો ફોટો શેર કરતા સતીષ રેડ્ડીએ કહ્યું કે તેઓ ભાજપની નજીક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે, જેને લઈને હાલથી જ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અરવિંદ કેજરીવાલ, નીતિશકુમાર, મમતા બેનર્જી અને ટીઆરએસના વડા સહિતના રાજકીય આગેવાનો ભાજપની સામે વિપક્ષને એક કરવાના પ્રયાસ કરી રહ્યાં છે.