Site icon Revoi.in

દેશમાં ખોવાયેલા અને ચોરયેલા મોબાઈલ શોધવામાં તેલંગાણા પ્રથમ સ્થાને

Social Share

હૈદરાબાદઃ ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ શોધવામાં તેલંગાણા સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલની મદદથી આ રિકવરી કરવામાં આવી છે. તેલંગાણાએ ખોવાયેલા અને ચોરાયેલા 67.98 ટકા મોબાઈલ રીકવર કર્યા છે, ત્યારબાદ કર્ણાટક 54.20 ટકા સાથે અને આંધ્રપ્રદેશ 50.90 ટકા સાથે બીજા અને ત્રીજા સ્થાને છે.

તેલંગાણામાં 110 દિવસમાં રિકવર થયેલા મોબાઈલની સંખ્યા 5038 થઈ ગઈ છે. તેમાંથી માત્ર 16 દિવસમાં લગભગ 1000 રિકવર થયા છે. તેલંગાણાના 780 પોલીસ સ્ટેશનોમાં CEIR પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. DGP CID મહેશ એમ ભાગવત પોર્ટલ હેઠળના કામની પ્રગતિ પર નજર રાખી રહ્યાં છે. તેમની રાજ્યમાં પોર્ટલ માટે નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક અંજની કુમારે કહ્યું કે, CEIR પોર્ટલની મદદથી પોલીસ દ્વારા મોબાઈલની રિકવરી નાગરિકો માટે વરદાન સાબિત થઈ રહી છે. ટેલિકોમ વિભાગ દ્વારા વિકસિત CEIR પોર્ટલ 17 મે 2023 ના રોજ દેશભરમાં મોબાઇલ ચોરી અને નકલી મોબાઇલ ઉપકરણોના જોખમને રોકવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. તે સપ્ટેમ્બર 2022માં કર્ણાટકમાં અને 19 એપ્રિલ 2023ના રોજ તેલંગાણામાં પ્રાયોગિક ધોરણે લોન્ચ કરવામાં આવ્યું હતું.

દેશમાં સ્માર્ટફોન વપરાશકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ સાઈબર ક્રાઈમની સાથે સાથે મોબાઈલ ફોન ચોરીના બનાવમાં પણ વધારો થયો છે. આવા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીની મદદથી કામગીરી કરવામાં આવી રહી છે.